મદીના તરફ આવતા ડ્રોનને હવામાં જ નષ્ટ કરાયુ: મધ્યપૂર્વમાં ફરી એકવાર સુરક્ષાની સ્થિતિ તંગ બની રહી છે. સાઉદી અરબના પવિત્ર શહેર મદીના તરફ આવી રહેલા એક ડ્રોનને સૈન્ય ગઠબંધન દ્વારા હવામાં જ ઇન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, યમનના એડન શહેરમાં રાષ્ટ્રપતિ ભવનના પરિસર અને એરપોર્ટને બેલિસ્ટિક મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે સાઉદી અરબ માટેની પોતાની ફ્લાઈટ્સ 14 નવેમ્બર સુધી રદ કરવાનો નિર્ણય લીધો છે. સાઉદી અરબના નેતૃત્વ હેઠળના સૈન્ય ગઠબંધને શુક્રવારે જાહેરાત કરી હતી કે મદીના તરફ આગળ વધી રહેલા એક હુથી ડ્રોનને હવામાં જ અટકાવીને નષ્ટ કરવામાં આવ્યું છે. મદીનામાં આવેલી મસ્જિદ-એ-નબવીના કારણે આ વિસ્તાર મુસ્લિમો માટે અત્યંત પવિત્ર ધાર્મિક સ્થળ ગણાય છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ મક્કા વિસ્તાર નજીક એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
એડનમાં રાષ્ટ્રપતિ ભવન અને એરપોર્ટ પર મિસાઈલ હુમલાનો દાવો..યમનના એડન શહેરમાં પણ હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારના સૈન્ય પ્રવક્તાના જણાવ્યા અનુસાર, હુથી જૂથ દ્વારા રાષ્ટ્રપતિ ભવનના પરિસર અને માનવીય સહાય માટે મહત્વપૂર્ણ ગણાતા એડન એરપોર્ટને બેલિસ્ટિક મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ ભવનના વિસ્તારમાં બે જોરદાર વિસ્ફોટ સંભળાયા હતા. ત્યારબાદ અનેક એમ્બ્યુલન્સો ઘટનાસ્થળે પહોંચતી જોવા મળી હતી. જોકે, આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા અથવા કેટલું નુકસાન થયું તેની સત્તાવાર વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. બીજી તરફ, હુથી જૂથના સૈન્ય પ્રવક્તા યાહ્યા સારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર નિવેદન આપીને મદીના તરફ ડ્રોન મોકલવાના આરોપોને નકારી કાઢ્યા છે. તેમના જણાવ્યા મુજબ, જૂથની કાર્યવાહીનો હેતુ સાઉદી અરબના સૈન્ય મથકો અને તેલ સંબંધિત માળખાંને નિશાન બનાવવાનો છે. મદીના તરફ કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. આમ, આ ઘટનાને લઈને બંને પક્ષના દાવા અને વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ રદ થતાં ઉમરાહ યાત્રાળુઓની ચિંતા વધી.. મધ્યપૂર્વમાં વધી રહેલી તંગદિલીની અસર હવાઈ મુસાફરી પર પણ જોવા મળી રહી છે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે સાઉદી અરબ જતી પોતાની ફ્લાઈટ્સ 14 નવેમ્બર સુધી રદ કરવાનો નિર્ણય લીધો છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. ફ્લાઈટ્સ રદ થવાથી સાઉદી અરબ જવા-આવવાનું આયોજન કરનારા મુસાફરોની મુશ્કેલીઓ વધી છે. ખાસ કરીને ઉમરાહ માટે ગયેલા ભારતીય મુસ્લિમ શ્રદ્ધાળુઓમાં વતન પરત ફરવા અંગે ચિંતા ઊભી થઈ છે. હાલની પરિસ્થિતિને પગલે મુસાફરો અને તેમના પરિવારોની નજર આગામી હવાઈ સેવા અંગેની જાહેરાતો પર ટકેલી છે. મધ્યપૂર્વમાં સતત સામે આવી રહેલા હુમલાઓ અને સૈન્ય ગતિવિધિઓને કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ વધુ સંવેદનશીલ બની રહી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com