લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે અંકલેશ્વર શહેર અને GIDC વિસ્તારમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રપ્રેમ, અડગ સંકલ્પશક્તિ અને દેશની એકતા તથા અખંડિતતા જાળવવામાં આપેલા ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. જ્યારે અંકલેશ્વર GIDC ખાતે દેશનાં પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિનિયર સિટીઝન પાર્ક ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પણ ઉપસ્થિત મહાનુભાવોએ ફૂલ અર્પણ કરી વંદન કર્યા હતા. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડીયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા, નગરપાલિકાના સભ્યો તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બીજી તરફ, અંકલેશ્વર GIDC ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલની જન્મજયંતી અને સ્વ. ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે સંયુક્ત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે બંને મહાનુભાવોના રાષ્ટ્ર માટેના યોગદાનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અંકલેશ્વર નોટિફાઇડ કોંગ્રેસના પ્રમુખ જીવનભાઈ સાવલિયા, ભરૂચ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ, અનિલભાઈ નેવે, હર્ષદભાઈ ગઢવી, રામ કુબેર પાંડે, યોગેશભાઈ જોશી અને હેતલભાઈ શાહ સહિત કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા.
આ ઉપરાંત અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પણ GIDC વિસ્તારમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે મંડળના સેક્રેટરી નિલેશ પટેલ, ટ્રેઝરર ચંદુ અકબરી અને સિક્યુરિટી ચેરમેન ડેનિશ ભૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે અંકલેશ્વરમાં નગરપાલિકા, રાજકીય પક્ષો અને ઔદ્યોગિક સંગઠન દ્વારા અલગ-અલગ કાર્યક્રમો યોજી લોખંડી પુરુષને યાદ કરવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશસેવાના તેમના આદર્શોને આત્મસાત કરવાનો સંદેશ આપ્યો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com