Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર: નવાદીવા પ્રાથમિક શાળામાં પોલીસનો જાગૃતિ કાર્યક્રમ, 120 વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા, નશામુક્તિ અને ટ્રાફિક નિયમો અંગે અપાયું માર્ગદર્શન

વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યે જાગૃતિ કેળવવા અને તેમને સુરક્ષિત તથા જવાબદાર નાગરિક બનાવવાના હેતુથી અંકલેશ્વરના નવાદીવા ગામની પ્રાથમિક શાળામાં પોલીસ વિભાગ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને કાયદા, સુરક્ષા અને સામાજિક જવાબદારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી જીવનમાં સાવચેતી અને શિસ્તનું મહત્વ સમજાવ્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. બી. જેબલિયા, આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમરસિંહ વાળા અને પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ નરેન્દ્રસિંહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ગુનાઓ અને ઓનલાઇન છેતરપિંડીથી બચવા માટે જરૂરી સાવચેતી અંગે સમજણ આપી હતી. અજાણી લિંક પર ક્લિક ન કરવું, વ્યક્તિગત માહિતી કે ઓટીપી કોઈની સાથે શેર ન કરવો તેમજ ઓનલાઇન વ્યવહારો કરતી વખતે સતર્ક રહેવા જેવી બાબતો પર ભાર મૂક્યો હતો.આ ઉપરાંત વિદ્યાર્થીઓને નશામુક્તિનો સંદેશ આપતાં નાર્કોટિક ડ્રગ્સના સેવનથી વ્યક્તિના સ્વાસ્થ્ય, પરિવાર અને સમાજ પર થતા ગંભીર દુષ્પરિણામો વિશે માહિતી આપવામાં આવી હતી. ટ્રાફિકના નિયમોનું પાલન, રસ્તા પર રાખવાની સાવચેતી અને પોલીસ વિભાગની કામગીરી અંગે પણ વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસમાં જ નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં શિસ્તબદ્ધ રહેવા, કાયદાનું પાલન કરવા, ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને એક જવાબદાર નાગરિક તરીકે સમાજમાં જાગૃતિ ફેલાવવા પ્રેરિત કર્યા હતા.આ જાગૃતિ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ, 11 શિક્ષકો અને કુલ 120 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ વિભાગના આ પ્રયાસથી વિદ્યાર્થીઓને કાયદા અને સુરક્ષા અંગે ઉપયોગી માહિતી મળી હતી. શાળાના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમ થકી બાળપણથી જ કાયદા પ્રત્યે સન્માન, સાયબર સાવચેતી અને નશામુક્ત સમાજના નિર્માણનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!