Skip to main content

Geo Gujarat News

ઝઘડિયાના જીતપરા વગાના જંગલમાં માનવ કંકાલ મળતાં ચકચાર, 10 દિવસથી ગુમ 39 વર્ષીય ઇન્દ્રજીતસિંહની કપડાં પરથી ઓળખ, વન્યપ્રાણીના હુમલાની આશંકા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં માનવ કંકાલ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જીતપરા વગાના કોતર વિસ્તારમાં આવેલા ગાઢ જંગલમાંથી 30 ઓક્ટોબર, 2026ના રોજ માનવ કંકાલના ટુકડા મળી આવ્યા હતા. પ્રાથમિક ઓળખ મુજબ આ કંકાલ ફિયચવાડા ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા 39 વર્ષીય ઇન્દ્રજીતસિંહ ભુપતસિંહ ઘરીયાનું હોવાનું સામે આવ્યું છે. જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીના હુમલામાં તેમનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે, જોકે મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. મળતી માહિતી મુજબ ઇન્દ્રજીતસિંહ ઘરીયા ગત 20 ઓક્ટોબરના રોજ ઘરેથી સીમાડા વગા પાસે આવેલા ખેતરે જવાનું કહીને નીકળ્યા હતા. જોકે, દિવસો વીતી જવા છતાં તેઓ ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. સગાસંબંધીઓ અને પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો નહોતો. આખરે પરિવારજનોએ ઉમલ્લા પોલીસનો સંપર્ક કરી જાણ કરતાં પોલીસે ગુમ થયેલા વ્યક્તિ અંગે તપાસ હાથ ધરી હતી.દરમિયાન 30 ઓક્ટોબરના રોજ જીતપરા વગાના કોતર વિસ્તારમાં આવેલા જંગલમાં પાણેથા આઉટપોસ્ટથી આશરે સાત કિલોમીટર દૂર માનવ કંકાલના અવશેષો મળી આવતાં મામલો ગંભીર બન્યો હતો. જાણ થતાં ઉમલ્લા પોલીસ સ્ટેશનના એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ બુદ્ધિસિંહ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થળ પર તપાસ કરતાં ઝાડીઓમાં માનવ કંકાલના ટુકડા છૂટાછવાયા પડેલા જોવા મળ્યા હતા. નજીકમાંથી કાળા રંગનું ચોકડીવાળું શર્ટ અને ભૂરા રંગનું નાઇટ ટ્રેક પેન્ટ પણ મળી આવ્યું હતું. પોલીસે મળેલા કપડાંના આધારે ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઇન્દ્રજીતસિંહના પિતા ભુપતસિંહ દોલતસિંહ ઘરીયાએ ઘટનાસ્થળેથી મળેલાં કપડાં પોતાના પુત્રનાં હોવાનું ઓળખી બતાવતાં કંકાલની ઓળખ ઇન્દ્રજીતસિંહ તરીકે થઈ હતી. આ બનાવમાં ઉમલ્લા પોલીસે BNSSની કલમ 168 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જંગલ જેવા દુર્ગમ વિસ્તારમાં ઇન્દ્રજીતસિંહ કેવી રીતે પહોંચ્યા, તેમનું મોત કયા સંજોગોમાં થયું અને વન્યપ્રાણીના હુમલાની આશંકામાં કેટલી હકીકત છે તે સહિતના તમામ પાસાંઓની તપાસ કરવામાં આવી રહી છે. દસ દિવસ પહેલાં ઘરેથી નીકળેલા વ્યક્તિના જંગલમાંથી કંકાલ સ્વરૂપે અવશેષો મળી આવતાં અનેક સવાલો ઊભા થયા છે. હાલ પરિવારજનો માટે આ ઘટના આઘાતજનક બની છે, જ્યારે પોલીસ તપાસ બાદ જ ઇન્દ્રજીતસિંહના મોત પાછળનું સાચું કારણ બહાર આવશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!