Skip to main content

Geo Gujarat News

હોર્મોઝની ખાડીમાં ફરી યુદ્ધના ભણકારા: કેશ્મ ટાપુ નજીક ઈરાની માછીમારી બોટ પર અમેરિકી હુમલાનો આરોપ, બે માછીમારો લાપતા, ખામેનીએ સૈન્યને વળતા પ્રહાર માટે તૈયાર રહેવા આપ્યો આદેશ..

સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનો અમેરિકાને સીધો પડકાર, હુમલો કરશો તો જવાબની કોઈ ભૌગોલિક સીમા નહીં હોય: ઈરાન અને અમેરિકા વચ્ચેનો સૈન્ય તણાવ ફરી ગંભીર વળાંક લઈ રહ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. હોર્મોઝગાન પ્રાંતના સ્થાનિક અધિકારીઓએ અમેરિકી સૈન્ય પર કેશ્મ ટાપુ નજીક માછીમારી કરી રહેલી બે બોટને નિશાન બનાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે. આ ઘટનામાં બે માછીમારો લાપતા થયા હોવાના અહેવાલ છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ છે. જોકે, આ કથિત હુમલા અંગે અમેરિકી સત્તાવાળાઓ તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો આ આરોપોની પુષ્ટિ થાય તો નિર્દોષ નાગરિકોની સુરક્ષા અને હોર્મોઝની ખાડીમાં દરિયાઈ સ્થિરતા સામે ગંભીર સવાલો ઊભા થઈ શકે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી સૈન્ય સંઘર્ષ ભડકવાની આશંકા વચ્ચે હોર્મોઝની ખાડીમાં માછીમારી કરતી બે બોટ પર હુમલાની ઘટના સામે આવી છે. ઈરાનના હોર્મોઝગાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર અહમદ નફિસીએ આરોપ લગાવ્યો હતો કે કેશ્મ ટાપુ નજીક અમેરિકી સૈન્યએ બે માછીમારી બોટને નિશાન બનાવી હતી. શરૂઆતમાં આ ઘટનામાં બે માછીમારો લાપતા અને એક વ્યક્તિ ઘાયલ હોવાના અહેવાલ મળ્યા હતા. જોકે, ત્યારબાદ લાપતા બંને માછીમારો મળી આવ્યા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. અમેરિકાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી કે તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

ખામેનીનો આકરો સંદેશ, દુશ્મનને તાત્કાલિક અને અસરકારક જવાબ આપો, અમેરિકા અને ઈઝરાયેલનાં લક્ષ્યાંકોની યાદી અપડેટ કરવાનો આદેશ: આ ઘટનાની સાથે જ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ દેશના ટોચના લશ્કરી અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દુશ્મન તરફથી કોઈપણ પ્રકારનો લશ્કરી કે આતંકી ખતરો ઊભો થાય તો તેનો તાત્કાલિક અને અસરકારક જવાબ આપવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે ઈરાનના જવાબી પ્રહાર માટે કોઈ ભૌગોલિક મર્યાદા રહેશે નહીં. એટલું જ નહીં, જો અમેરિકા અને ઈઝરાયેલ ફરી હુમલો કરશે તો સંઘર્ષ ક્યારે અને કઈ શરતો પર સમાપ્ત કરવો તેનો નિર્ણય ઈરાન પોતે કરશે. ખામેનેઈએ ઈરાની સશસ્ત્ર દળોને અમેરિકી અને ઈઝરાયેલી ઠેકાણાં તથા અન્ય સંપત્તિઓને આવરી લેતી લક્ષ્યાંકોની યાદી તાત્કાલિક અપડેટ કરવા સૂચના આપી છે. સાથે જ લશ્કરી તૈયારીઓ મજબૂત બનાવવા, શસ્ત્રો અને દારૂગોળાનું ઉત્પાદન વધારવા તથા ગુપ્તચર ક્ષમતાને વધુ સજ્જ કરવાની દિશામાં પગલાં લેવા પર ભાર મૂક્યો છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઈરાન પોતાની સંરક્ષણ અને જવાબી હુમલાની તૈયારીઓને વ્યૂહાત્મક રીતે મજબૂત બનાવવાનો સંદેશ આપી રહ્યું છે.

અમેરિકાની ચૂંટણી બાદ ફરી હુમલાની અટકળોથી મધ્યપૂર્વમાં ચિંતા! બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ઈરાન સામે આગામી લશ્કરી વિકલ્પો અંગે વિચારણા ચાલી રહી હોવાના અહેવાલો છે. અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન સામે નવી લશ્કરી કાર્યવાહી થઈ શકે તેવી અટકળોએ પણ જોર પકડ્યું છે. જોકે, નવી કાર્યવાહી અંગે કોઈ અંતિમ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી. ઈઝરાયેલની સંભવિત ભૂમિકા અને ઈરાનની વળતા પ્રહારની ચેતવણીઓએ સમગ્ર મધ્યપૂર્વની સુરક્ષા સ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી છે. એક તરફ દરિયાઈ વિસ્તારમાં હુમલાના આરોપો અને બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ નેતૃત્વની ખુલ્લી ચેતવણીઓએ અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. હવે સવાલ એ છે કે બંને દેશો રાજદ્વારી વાટાઘાટો દ્વારા સંકટનો ઉકેલ લાવશે કે મધ્યપૂર્વ ફરી એકવાર મોટા સૈન્ય સંઘર્ષની આગમાં ધકેલાશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!