ભરૂચ જિલ્લાના માંડવી ગામના વતની અને હાલ રાજપારડી ખાતે વસવાટ કરતા ભારતીય સેનાના વીર જવાન કનુભાઈ ગોરધનભાઈ વસાવા 26 વર્ષની લાંબી અને ગૌરવપૂર્ણ દેશસેવા પૂર્ણ કરી નિવૃત્ત થતાં વતન પરત ફર્યા હતા. દેશની સરહદોનું રક્ષણ કરવા પરિવારથી દૂર રહીને જીવનનાં અમૂલ્ય વર્ષો સમર્પિત કરનાર આ વીર સપૂતનું રાજપારડી ખાતે ગ્રામજનો અને આગેવાનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કનુભાઈ વસાવાના આગમનને યાદગાર બનાવવા રાજપારડીમાં વિશેષ સ્વાગત અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપારડી ચોકડીથી બેન્ડવાજા સાથે ભવ્ય સ્વાગત રેલી કાઢવામાં આવી હતી, જે રાધિકા સોસાયટી ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. રાધિકા સોસાયટી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં કનુભાઈ વસાવાને ફૂલહાર પહેરાવી, પુષ્પવર્ષા કરીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા સહિત સામાજિક અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો તેમજ માંડવી, રાજપારડી અને આસપાસનાં ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કનુભાઈ વસાવાની 26 વર્ષની દેશસેવાને બિરદાવી જણાવ્યું હતું કે, પરિવારથી દૂર રહીને દેશની સરહદોની સુરક્ષા માટે જીવનનાં અનેક વર્ષો સમર્પિત કરનાર સૈનિકો દેશની સાચી શાન અને સમાજનું ગૌરવ છે. આવા વીર જવાનોની નિષ્ઠા, શિસ્ત, સમર્પણ અને દેશપ્રેમ યુવા પેઢી માટે હંમેશાં પ્રેરણાસ્ત્રોત બની રહેશે. 26 વર્ષની દેશસેવા બાદ નિવૃત્ત થઈ વતન પરત ફરેલા કનુભાઈ વસાવા માટે આ સન્માન માત્ર એક સ્વાગત સમારોહ નહીં, પરંતુ તેમની વર્ષોની તપસ્યા, ત્યાગ અને સમર્પણને જનસમાજ તરફથી મળેલું ગૌરવપૂર્ણ અભિવાદન બની રહ્યું હતું. સમારોહના અંતે ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનો માટે ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, ગૌરવ અને ભાવનાત્મક ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com