Skip to main content

Geo Gujarat News

મધ્યપ્રદેશ: દારૂની તસ્કરી રોકવા ગયેલા પોલીસ અધિકારીને ટ્રકે કચડ્યા! ડિવાઈડર પર ટ્રક ચડાવી ભાગવા જતાં જીવલેણ હુમલા જેવી ઘટના, CPR પણ ન બચાવી શક્યું જીવન..

મધ્યપ્રદેશમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા ગયેલી પોલીસ ટીમ માટે ફરજ બજાવવાની ઘડી જ કાળ બનીને આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન ટ્રકચાલકે પોલીસની સૂચનાનું પાલન કરવાને બદલે કાયદાની પકડમાંથી છટકવા માટે ટ્રક ડિવાઈડર પર ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રકનું પાછળનું ટાયર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિલીપ કુમાર પૂરી પર ફરી વળતાં તેઓ ગંભીર રીતે કચડાયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ જીવન બચાવી શકાયું ન હોતું. મળતી માહિતી અનુસાર, ખાતેગાંવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિલીપ કુમાર પૂરીને વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી થવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે તેઓ પોલીસ ટીમ સાથે હાઇવે પર વાહનોની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન શંકાસ્પદ ટ્રકને અટકાવી ચાલકને નીચે ઉતરવા જણાવવામાં આવ્યું હતું. જોકે, કાયદાનો સામનો કરવાને બદલે ટ્રકચાલકે અત્યંત જોખમી રીતે વાહન ડિવાઈડર પર ચડાવી આગળ ધપાવ્યું હતું. આ અફરાતફરીમાં ટ્રકનું પાછળનું ટાયર દિલીપ કુમાર પૂરી પરથી ફરી વળતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘટના બાદ સાથી પોલીસકર્મીઓએ સમય ગુમાવ્યા વિના તેમને ખાતેગાંવની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. તબીબોએ તેમને બચાવવા માટે લાંબા સમય સુધી સીપીઆર સહિતના પ્રયાસો કર્યા હતા, પરંતુ કમનસીબે તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, ઘટનાને અંજામ આપ્યા બાદ ટ્રકચાલક વાહનને સંદલપુર વિસ્તારમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. ફરજ પરના પોલીસ અધિકારીના મોત બાદ પોલીસ તંત્રમાં શોકની લાગણી ફેલાઈ છે. હાલ પોલીસે ફરાર ટ્રકચાલકને ઝડપી પાડવા શોધખોળ તેજ કરી છે. દારૂની ગેરકાયદેસર હેરાફેરી રોકવા ગયેલા કાયદાના રક્ષકને જ ટ્રક નીચે કચડી નાખવાની આ ઘટના માત્ર અકસ્માત નહીં, પરંતુ કાયદાથી બચવા માટે કરવામાં આવેલી અત્યંત જોખમી હરકતની ગંભીરતા દર્શાવે છે. ફરજ બજાવતા પોલીસ અધિકારીનો જીવ લેનાર આરોપી સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!