Skip to main content

Geo Gujarat News

ભરૂચ: હલદરવામાં વિકાસકાર્યોને મળ્યો વેગ, 1.17 કરોડના ખર્ચે બે નવા રસ્તાઓનું નિર્માણ થશે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત!

બે મહત્વપૂર્ણ માર્ગો માટે રૂ.1.17 કરોડનો ખર્ચ : ભરૂચ તાલુકાના હલદરવા ગામમાં માળખાગત સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સ્થાનિક રહીશોની લાંબા સમયથી ચાલી આવતી માર્ગ નિર્માણની માંગને ધ્યાનમાં રાખીને રૂ.1.17 કરોડના ખર્ચે બે રસ્તાઓ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિકાસકાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રસ્તાઓનું નિર્માણ પૂર્ણ થયા બાદ સાંઈ ગાર્ડન સોસાયટી સહિતના વિસ્તારોના રહીશો તેમજ નર્મદા કેનાલ તરફ અવરજવર કરતા વાહનચાલકોને મોટી સુવિધા મળશે. રાજ્ય સરકારની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગ્રામીણ માર્ગ નોન-પ્લાન યોજના અંતર્ગત આ બંને માર્ગોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં નેશનલ હાઈવે-8થી હલદરવા ગામ તરફ જતા માર્ગ પરથી સાંઈ ગાર્ડન સોસાયટી સુધીના રસ્તાનું નિર્માણ રૂ.67 લાખના ખર્ચે કરવામાં આવશે. જ્યારે હલદરવા ગામની નવી નગરીથી નર્મદા કેનાલ સુધી જોડાણ આપતા માર્ગનું કામ રૂ.50 લાખના ખર્ચે હાથ ધરાશે. આમ, બંને માર્ગોના નિર્માણ પાછળ કુલ રૂ.1.17 કરોડની રકમ ખર્ચવામાં આવશે.સ્થાનિક રજૂઆતોને મળી સફળતા, ખાતમુહૂર્ત પ્રસંગે આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિ: આ માર્ગોના નિર્માણ માટે ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક લોકોને પડતી અવરજવરની મુશ્કેલીઓ દૂર થાય અને માર્ગ વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે હેતુથી તેમણે સંબંધિત સ્તરે માર્ગ નિર્માણની માંગ ઉઠાવી હતી. આખરે આ રજૂઆતોને સફળતા મળતાં બંને માર્ગોના કામને મંજૂરી મળી છે અને હવે નિર્માણકાર્યનો પ્રારંભ થતાં સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય વિપુલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિશ્રામ ભરવાડ, ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ સહિતના સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો, સાંઈ ગાર્ડન સોસાયટીના રહીશો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિકાસકાર્યોની શરૂઆતને ગ્રામજનો દ્વારા આવકારવામાં આવી હતી. હલદરવામાં હાથ ધરાયેલા આ બંને માર્ગોના નિર્માણથી સ્થાનિક પરિવહન વ્યવસ્થાને નવી સુવિધા મળશે તેમજ ગામના વિકાસને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!