Skip to main content

Geo Gujarat News

ઝઘડિયા: દુમાલા વાઘપુરા ઉમલ્લામાં ઢાંકણ વગરની ખુલ્લી ગટર, અધૂરી કામગીરી અને જવાબદારોની આંખ આડા કાન કરવાની નીતિ સામે ગ્રામજનોમાં ભારે રોષ, કલેક્ટર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ..

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ઉમલ્લા ગામમાં પંચાયતની અધૂરી કામગીરી હવે ગ્રામજનો અને ખાસ કરીને નાના બાળકોની સુરક્ષા માટે ગંભીર જોખમ બની રહી છે. ગામમાં ગટરનું નિર્માણ તો કરવામાં આવ્યું છે, પરંતુ તેના પર ઢાંકણ લગાવવાની પાયાની કામગીરી મહિનાઓ વીતી જવા છતાં પૂર્ણ કરવામાં આવી નથી. પરિણામે ખુલ્લી ગટર અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહી છે.ગામમાં રમતા નાના બાળકો ક્યારેક અજાણતાં આ ખુલ્લી ગટરમાં ખાબકી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભયજનક સ્થિતિ ઊભી થઈ છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ જોખમી પરિસ્થિતિથી સ્થાનિક આગેવાનો અને જવાબદાર તંત્ર અજાણ નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ અંગે તલાટી, સરપંચ તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજદિન સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઢાંકણ લગાવવાની સામાન્ય કામગીરી પણ પૂર્ણ ન થવી એ માત્ર બેદરકારી નથી, પરંતુ જાહેર સુરક્ષાના પ્રશ્ન પ્રત્યેની ગંભીર ઉદાસીનતા દર્શાવે છે. રજૂઆતો છતાં સમસ્યા યથાવત રહેતા જવાબદારો માત્ર આશ્વાસનો આપીને સમય પસાર કરી રહ્યા હોવાના આક્ષેપો પણ ઊઠી રહ્યા છે.શું કોઈ બાળક ગટરમાં ખાબકશે ત્યારે જ તંત્ર જાગશે ? અહીં ગંભીર સવાલ એ છે કે, ગામમાં ખુલ્લી ગટર હોવા છતાં તેને સુરક્ષિત કરવાની જવાબદારી કોની છે? જો કોઈ નિર્દોષ બાળક આ ગટરમાં ખાબકી જાય, ગંભીર રીતે ઘાયલ થાય કે જાન ગુમાવે તો તેની જવાબદારી કોણ સ્વીકારશે? શું ત્યારબાદ પંચાયત, કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળશે? કે પછી દુર્ઘટના બાદ તપાસ અને આશ્વાસનોના નાટકથી મામલો થાળે પાડવામાં આવશે? નેત્રંગ નજીકના મોદલીયા ગામે અગાઉ બનેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે, કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરે, ખુલ્લી ગટર પર મજબૂત ઢાંકણ લગાવે અને અધૂરી કામગીરી પૂર્ણ કરાવે. સાથે જ ગટરનું કામ અધૂરું રાખવા પાછળની જવાબદારી નક્કી કરી સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટરની કામગીરીની તપાસ કરવામાં આવે તથા જો બેદરકારી જણાય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત પંચાયત કોઈ નિર્દોષનો ભોગ લેવાય તે પહેલાં કાર્યવાહી કરશે કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ જ જવાબદારોની આંખો ખૂલશે? બાળકોની સુરક્ષા કોઈના આશ્વાસન કે વહીવટી ફાઇલની રાહ જોઈ શકે તેમ નથી. તંત્ર માટે હવે સમયસર કાર્યવાહી કરવાનો સમય છે, દુર્ઘટના બાદ અફસોસ કરવાનો નહીં!

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!