Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વરમાં કેરળ સમાજમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ, ૧૦૦ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક!

કેરળ રાજ્યના સ્થાપના દિવસ ‘કેરળ પિરાવી’ની ઉજવણીને સામાજિક સેવાના ઉમદા સંકલ્પ સાથે જોડીને અંકલેશ્વરમાં કેરળ સમાજમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેરળ સમાજમ ચેરિટેબલ ટ્રસ્ટ અને જયબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવતાની સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. શિબિરના આયોજનમાં રેડ ક્રોસ સોસાયટીનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દર્દીઓને કટોકટીના સમયે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થવાનો હતો. આ વર્ષે શિબિર દરમિયાન કુલ ૧૦૦ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો. સમાજના સભ્યો ઉપરાંત હોસ્પિટલના સ્ટાફે પણ આયોજનથી લઈને વ્યવસ્થાપન સુધી સક્રિય ભાગીદારી નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કેરળ પિરાવી એટલે કે કેરળ રાજ્યનો સ્થાપના દિવસ દર વર્ષે ૧ નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૫૬માં ભાષાકીય આધાર પર મલયાલમ ભાષી વિસ્તારોને એકત્ર કરીને કેરળ રાજ્યની રચના કરવામાં આવી હતી.મલયાલમ ભાષામાં કેરળ પિરાવીનો અર્થ કેરળનો જન્મ થાય છે. આ દિવસ કેરળના લોકો માટે સાંસ્કૃતિક ઓળખ, પરંપરા અને ગૌરવનું વિશેષ મહત્વ ધરાવે છે. કેરળ પિરાવી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત નૃત્યો, સંગીત અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. અંકલેશ્વર અને ભરૂચ વિસ્તારમાં વસવાટ કરતા કેરળ સમાજના લોકો પણ દર વર્ષે પરંપરાગત ઉત્સાહ સાથે આ દિવસની ઉજવણી કરે છે.જોકે, કેરળ સમાજમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ઉજવણીને માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરતી સીમિત રાખવાને બદલે રક્તદાન જેવા સેવાકાર્ય સાથે જોડીને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. રક્તદાન એ માનવતાની સૌથી મોટી સેવાઓ પૈકીની એક છે. કોઈ જરૂરિયાતમંદ દર્દી માટે સમયસર મળતું રક્ત જીવનદાન સાબિત થઈ શકે છે. ત્યારે કેરળ પિરાવીના પાવન અવસરે યોજાયેલી આ શિબિર દ્વારા સમાજમાં સેવાભાવના અને રક્તદાન પ્રત્યેની જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કેરળ સમાજમ ચેરિટેબલ ટ્રસ્ટની આ પહેલને ઉપસ્થિત લોકોએ આવકારી હતી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!