ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલી આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે. વકીલ શાળા ખાતે શિક્ષણક્ષેત્રે વર્ષો સુધી પોતાની સેવાઓ અર્પણ કરનારા બે શિક્ષકોના સન્માનમાં ભાવસભર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ધર્મેશ જોશી અને સિનિયર શિક્ષક પ્રવીણ પટેલ વયનિવૃત્ત થતાં તેમના સન્માનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાળા પરિવાર, શિક્ષણ જગતના અગ્રણીઓ, મહાનુભાવો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં હંસ નિવાસ આશ્રમના સૂર્યદેવ મહારાજે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી બંને નિવૃત્ત શિક્ષકોને આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે આદર્શ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ હિમાંશુ પટેલ, જયેશ પટેલ, નિર્લેપ પટેલ, ગિરીશ પટેલ, સલાહકાર સી.કે. ભટ્ટ, રાજેન્દ્ર કઠવાડિયા, શાળાના સિનિયર શિક્ષક રજની પટેલ તથા પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત તાલુકાની વિવિધ શાળાઓના આચાર્યો અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ધર્મેશ જોશી અને પ્રવીણ પટેલની વર્ષો લાંબી શૈક્ષણિક સફરને યાદ કરી તેમના સેવાકાળ દરમિયાન શાળાના શૈક્ષણિક વાતાવરણને સમૃદ્ધ બનાવવામાં આપેલા યોગદાનની સરાહના કરી હતી. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ, સંસ્કાર અને ભવિષ્યના ઘડતરમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ દૃષ્ટિએ બંને શિક્ષકોએ આપેલી સેવાઓને બિરદાવી તેમના કાર્યકાળને યાદગાર ગણાવ્યો હતો. સાથે જ નિવૃત્તિ બાદનું જીવન નિરોગી, સુખમય અને આનંદમય રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
વિદાય સમારોહનો સૌથી ભાવુક પ્રસંગ ત્યારે સર્જાયો હતો, જ્યારે બંને નિવૃત્ત શિક્ષકોએ શાળામાં વિતાવેલા વર્ષોના સંસ્મરણો વાગોળ્યાં હતાં. સહકર્મીઓ સાથેની યાદો, વિદ્યાર્થીઓ સાથેના અનુભવો અને શિક્ષણકાર્ય દરમિયાનની અનેક ઘટનાઓને યાદ કરતાં વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. વર્ષો સુધી એક જ શૈક્ષણિક પરિવારનો હિસ્સો રહેલા સહકર્મીઓ વચ્ચે વિદાયની ક્ષણોએ ભાવુક દૃશ્યો સર્જ્યાં હતાં.આ પ્રસંગે બંને શિક્ષકોના પરિવારજનોની ઉપસ્થિતિએ સમારોહને વધુ વિશેષ બનાવ્યો હતો. વર્ષો સુધી જ્ઞાનદાન અને સમાજઘડતરના કાર્યમાં પોતાનું યોગદાન આપનાર શિક્ષકોને સન્માનપૂર્વક વિદાય આપી આર.કે. વકીલ શાળા પરિવારે તેમની સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આમ, ઇલાવની આર.કે. વકીલ શાળામાં યોજાયેલો આ વિદાય સમારોહ માત્ર નિવૃત્તિનો પ્રસંગ નહીં, પરંતુ શિક્ષણક્ષેત્રે સમર્પિત જીવન વિતાવનાર શિક્ષકો પ્રત્યે આદર, સન્માન અને ઋણસ્વીકારની લાગણી વ્યક્ત કરતો યાદગાર અવસર બની રહ્યો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com