ભરૂચ સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગુજરાત પોલીસ દ્વારા તકેદારી જાગૃતિ સપ્તાહ અંતર્ગત શપથગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસાથે ભ્રષ્ટાચાર મુક્ત સમાજના નિર્માણ માટે પોતાની ફરજ સંપૂર્ણ પ્રામાણિકતા, નિષ્ઠા અને જવાબદારી સાથે નિભાવવાનો સંકલ્પ લીધો હતો. ચાલુ વર્ષે તકેદારી જાગૃતિ સપ્તાહની થીમ ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ રાખવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવતાં જણાવ્યું હતું કે, દરેક પોલીસ અધિકારી અને કર્મચારીએ પોતાની દૈનિક ફરજ દરમિયાન પારદર્શિતા, ઉચ્ચ નૈતિક મૂલ્યો અને પ્રામાણિકતાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવું જોઈએ. લોકસેવા દરમિયાન કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારથી દૂર રહી કાયદા અને નૈતિકતાના માર્ગે ચાલીને સમાજ સમક્ષ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. તકેદારી જાગૃતિ સપ્તાહનો મુખ્ય આશય સરકારી તંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવાનો, ભ્રષ્ટાચાર સામે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ સરકારી કર્મચારીઓમાં નિષ્ઠા અને જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલા આ શપથગ્રહણ કાર્યક્રમમાં પ્રામાણિક વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજના નિર્માણ માટે સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com