અંકલેશ્વર GIDCમાં આવેલી શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીના સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવતાં ઔદ્યોગિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પ્લાન્ટમાં આગ એટલી પ્રચંડ બની હતી કે ઊંચી જ્વાળાઓ સાથે નીકળતો ધુમાડો દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં જ્વલનશીલ પ્રવાહીનો ઉપયોગ થતો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની ગંભીર આશંકા ઊભી થઈ હતી. ઉલ્લેખનીય છે કે સોલ્વન્ટ ડિસ્ટિલેશનની પ્રક્રિયામાં વપરાયેલા સોલ્વન્ટને ગરમ કરીને બાષ્પમાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ ઠંડું કરીને ફરી પ્રવાહી સ્વરૂપમાં મેળવવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા સોલ્વન્ટમાં રહેલી અશુદ્ધિઓ અલગ કરી તેનો પુનઃઉપયોગ કરવામાં આવે છે. જોકે, સોલ્વન્ટ જ્વલનશીલ હોવાથી આવી પ્રક્રિયા દરમિયાન સુરક્ષાના નિયમો અને ફાયર સેફ્ટીના માપદંડોનું ચુસ્ત પાલન કરવું અત્યંત જરૂરી છે.
વારંવાર આગની ઘટનાઓ છતાં ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાની વ્યવસ્થા કેટલી મજબૂત? અંકલેશ્વર GIDCમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે ત્યારે ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીની વાસ્તવિક સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શું કંપનીઓમાં ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે? શું જ્વલનશીલ કેમિકલ અને સોલ્વન્ટના સંગ્રહ તેમજ હેન્ડલિંગ માટેના નિયમોનું નિયમિત પાલન થાય છે? શું સંબંધિત વિભાગો દ્વારા સમયાંતરે સુરક્ષા ઓડિટ અને સ્થળ તપાસ કરવામાં આવે છે? માત્ર આગ લાગ્યા બાદ ફાયર વિભાગની ગાડીઓ દોડાવવી એ કાયમી ઉકેલ નથી.
ઔદ્યોગિક એકમોમાં આગ જેવી દુર્ઘટનાઓ સર્જાય તે પહેલાં તેને અટકાવવા માટેની સુરક્ષા વ્યવસ્થા કેટલી સજ્જ છે તેની તપાસ થવી જરૂરી છે. હવે તંત્ર આ ઘટનાને ગંભીરતાથી લઈને કંપનીની ફાયર સેફ્ટી વ્યવસ્થા, આગ લાગવાના ચોક્કસ કારણો અને સંભવિત બેદરકારીની નિષ્પક્ષ તપાસ કરે છે કે કેમ તે જોવું રહ્યું.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com