ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની નૂતન ગ્રામ વિદ્યાપીઠ ખાતે માય ભારત ભરૂચના ઉપક્રમે વિકસિત ભારત યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ કેળવવા, મતાધિકારનું મહત્વ સમજાવવા તેમજ દેશના વિકાસમાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓને મતદાનની પ્રક્રિયા, નાગરિક તરીકેની જવાબદારીઓ અને SIR અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ નિરલ પટેલ, યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ પરમાર તથા યુવા આઇકોન ગણપતસિંહ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગણપતસિંહ રાઠોડે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી Know Your Vote વિષય પર વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે મતાધિકાર માત્ર એક અધિકાર નહીં, પરંતુ લોકશાહીને મજબૂત બનાવવાની મહત્વપૂર્ણ જવાબદારી હોવાનું સમજાવી મતદાનનું મૂલ્ય અને તેની અસર અંગે માર્ગદર્શન આપ્યું હતું.
બીજી તરફ નિરલ પટેલે વિદ્યાર્થીઓ સાથે સરળ અને રસપ્રદ રીતે સંવાદ કરી વિવિધ ઉદાહરણો દ્વારા SIR પ્રક્રિયાની સમજ આપી હતી. તેમણે મતદાર યાદી સાથે જોડાયેલી પ્રક્રિયા અને લોકશાહી વ્યવસ્થામાં જાગૃત નાગરિકની ભૂમિકા અંગે વિદ્યાર્થીઓની જિજ્ઞાસાનું સમાધાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન માય ભારત ભરૂચ દ્વારા યુવા આઇકોન ગણપતસિંહ રાઠોડને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે તેમણે માય ભારત સાથે જોડાયેલા પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા અને યુવાનોને માય ભારત પોર્ટલ પર નોંધણી કરાવી તેના માધ્યમથી યોજાતી વિવિધ સામાજિક, શૈક્ષણિક અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવા અપીલ કરી હતી.
અંતમાં વિદ્યાર્થીઓને પોતાની અંદર રહેલી પ્રતિભા ઓળખી કૌશલ્ય અને ક્ષમતાઓનો વિકાસ કરવા તથા સમાજ અને રાષ્ટ્રહિતનાં કાર્યોમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. યુવાનોની શક્તિ, સર્જનાત્મકતા અને સક્રિય ભાગીદારીથી જ વિકસિત ભારત-2047નું સ્વપ્ન સાકાર થઈ શકે તેવા સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com