Skip to main content

Geo Gujarat News

ભરૂચ: નબીપુર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ સેમિનાર યોજાયો, પોલીસ અધિકારીઓએ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ માટે ગ્રામજનોને કર્યા જાગૃત, સૌએ લીધા શપથ..

ભરૂચ જિલ્લાના નબીપુર ગ્રામ પંચાયત ખાતે સતર્કતા જાગૃતિ સપ્તાહ અંતર્ગત ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ લાવવાના ઉમદા આશય સાથે વિશેષ સભા અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભ્રષ્ટાચારના દૂષણ સામે જનજાગૃતિ ફેલાવવા ઉપરાંત પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટી વ્યવસ્થાના નિર્માણ માટે ઉપસ્થિત સૌને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.સેમિનારમાં નબીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. ટી.આર. ચૌધરી અને પી.એસ.આઈ. ટી.આર. મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એલ.આઈ.બી. વિભાગના એફ.એમ. ઠાકોર તેમજ સાયબર વિભાગના પી.સી. મેહુલભાઈએ પણ ઉપસ્થિત રહી ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ અને સંબંધિત મુદ્દાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.આ પ્રસંગે પી.આઈ. ટી.આર. ચૌધરીએ ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, સમાજના કોઈપણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. ભ્રષ્ટાચાર દેશને અંદરથી ખોખલો કરતું ગંભીર દૂષણ છે, જેને નાથવા માટે માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ સમાજના દરેક નાગરિકે પણ પોતાની જવાબદારી સમજી આગળ આવવું જરૂરી છે. ભ્રષ્ટાચાર સામે જાગૃતિ, સતર્કતા અને સામૂહિક સહયોગ જ તેને ડામવા માટે અસરકારક સાબિત થઈ શકે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભ્રષ્ટાચાર મુક્ત સમાજ અને પારદર્શક વહીવટના મહત્વ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અંતે ઉપસ્થિત તમામ લોકોએ ભ્રષ્ટાચારથી દૂર રહેવા, તેને પ્રોત્સાહન ન આપવા તેમજ ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા ઊભી કરવા માટે પોતાનું યોગદાન આપવાના શપથ લીધા હતા.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!