Skip to main content

Geo Gujarat News

વાગરા: સાયખા GIDCમાં FARMSON BASIC DRUGSના પ્રદૂષણનો બેફામ ખેલ! ચીમનીમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા નીકળતાં GPCBની કામગીરી સામે ગંભીર સવાલો

વાગરા તાલુકાની સાયખા GIDC જાણે ઔદ્યોગિક પ્રદૂષણ ફેલાવનારા એકમો માટે ખુલ્લું મેદાન બની ગઈ હોય તેવી સ્થિતિ વારંવાર સામે આવી રહી છે. અહીં આવેલી FARMSON BASIC DRUGS PVT. LTD. કંપનીની ચીમનીમાંથી ફરી એકવાર અત્યંત ઘાટા કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાનો મામલો સામે આવ્યો છે. ચીમનીમાંથી નીકળતો કાળો ધુમાડો જાણે આકાશમાં પ્રદૂષણની કાળી ચાદર પાથરી રહ્યો હોય તેવા દૃશ્યો સામે આવતાં ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષણ નિયંત્રણની વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આ કંપની દ્વારા કથિત રીતે વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાના અહેવાલો અનેકવાર પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળતો ન હોય તેવી સ્થિતિ વચ્ચે કંપની જાણે ‘હમ નહીં સુધરેગે’ની નીતિ પર ચાલી રહી હોય તેવો આક્ષેપ ઊઠી રહ્યો છે. વારંવાર એક જ પ્રકારની ઘટના સામે આવતી હોય તો સવાલ એ થાય કે અગાઉના અહેવાલો અને રજૂઆતો બાદ જવાબદાર તંત્ર દ્વારા ખરેખર શું કાર્યવાહી કરવામાં આવી?એક તરફ સરકાર પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છ હવા અને પ્રદૂષણ નિયંત્રણની વાતો કરે છે, તો બીજી તરફ ઔદ્યોગિક એકમોની ચીમનીમાંથી આટલા ઘાટા કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાના દૃશ્યો સામે આવે તે અત્યંત ચિંતાજનક બાબત છે. શું કંપનીને પર્યાવરણના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી માત્ર કાગળ પર જ રહી ગઈ છે? શું પ્રદૂષણ નિયંત્રણના નિયમોનો ભંગ થતો હોવાની આશંકા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી? કે પછી નોટિસો અને તપાસની ઔપચારિકતાઓ વચ્ચે પ્રદૂષણનો આ ખેલ યથાવત્ ચાલી રહ્યો છે? હવે સીધો સવાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જવાબદાર અધિકારીઓ સામે છે.FARMSON BASIC DRUGS PVT. LTD.ની ચીમનીમાંથી નીકળતા કાળા ધુમાડાના સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, કંપનીના ઉત્સર્જનના નમૂના લઈ વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરવામાં આવે તથા કંપની પાસે જરૂરી પર્યાવરણીય મંજૂરીઓ અને પ્રદૂષણ નિયંત્રણનાં સાધનો કાર્યરત છે કે નહીં તેની તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠવી સ્વાભાવિક છે. હવે જોવાનું એ રહ્યું કે GPCBના અધિકારીઓ આ વખતે પણ માત્ર કાગળ પર તપાસ કરીને સંતોષ માને છે કે પછી ખરેખર સ્થળ પર ઉતરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે છે? કારણ કે વારંવાર કાળા ધુમાડાના દૃશ્યો સામે આવ્યા બાદ પણ જો તંત્રની કાર્યવાહી દેખાતી ન હોય તો પ્રદૂષણ ફેલાવનારાઓને કાયદાનો ડર કેવી રીતે રહેશે? ઔદ્યોગિક વિકાસના નામે પર્યાવરણ સાથે ચેડાં કરવાની કોઈને છૂટ ન હોવી જોઈએ. સાયખાની હવામાં ઝેર ભળવાની આશંકા વચ્ચે હવે તંત્રએ આંખ આડા કાન કરવાને બદલે જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે. નોંધનીય છે કે, ધુમાડાના રંગ પરથી જ તેની ઝેરી અસર કે નિયમભંગ સાબિત થતો નથી. તેના માટે ઉત્સર્જનના નમૂનાઓ અને અધિકૃત તપાસ જરૂરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!