ભરૂચ સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દે તેવો કોંગ્રેસ હાઈકમાન્ડનો આકરો નિર્ણય સામે આવ્યો છે. પક્ષના કાર્યક્રમમાં ગેરહાજર રહેવું ગુજરાત યુથ કોંગ્રેસના 49 જેટલા હોદ્દેદારોને ભારે પડ્યું છે. વોટચોરીના મુદ્દે કોંગ્રેસ દ્વારા દિલ્હી ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં હાજર ન રહેનારા હોદ્દેદારો સામે હાઈકમાન્ડે સીધો શિસ્તનો કોરડો વીંઝ્યો છે અને તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ યાદીમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વિપુલ વસાવાનું નામ પણ સામેલ થતાં ભરૂચ કોંગ્રેસના રાજકીય માળખામાં ભારે ચર્ચા અને અસંતોષનો માહોલ સર્જાયો છે. મળતી વિગતો અનુસાર, ગત 1 નવેમ્બરના રોજ દિલ્હીમાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ અને વોટચોરીના મુદ્દે વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે યોજાયેલા આ કાર્યક્રમને કોંગ્રેસે રાજકીય રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો. યુથ કોંગ્રેસના હોદ્દેદારોને પણ આ કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં 49 જેટલા હોદ્દેદારોની ગેરહાજરી હાઈકમાન્ડની નજરમાં આવી હતી. પક્ષના આદેશને અવગણવાની બાબતને ગંભીરતાથી લેતાં હવે તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચા ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વિપુલ વસાવાના સસ્પેન્શનને લઈને થઈ રહી છે. જિલ્લા સ્તરે સંગઠનની જવાબદારી સંભાળતા પ્રમુખનું નામ જ શિસ્તભંગની કાર્યવાહી હેઠળ આવતાં અનેક સવાલો ઊભા થયા છે. શું જિલ્લા સંગઠનના વડા તરીકે તેઓ પક્ષના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા કે પછી આ ગેરહાજરી પાછળ અન્ય કોઈ સંગઠનાત્મક કારણો જવાબદાર હતાં? આ સવાલો વચ્ચે ભરૂચ કોંગ્રેસમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ કોંગ્રેસ ભાજપ સામે વોટચોરીના મુદ્દે આક્રમક રાજકીય લડાઈ લડી રહી છે, તો બીજી તરફ પોતાના જ સંગઠનના હોદ્દેદારોની ગેરહાજરીએ પક્ષની આંતરિક એકતા અને શિસ્ત સામે સવાલો ઊભા કર્યા છે. જાહેર મંચો પર લોકશાહી અને મતાધિકારની લડતની વાતો કરતી કોંગ્રેસે હવે પોતાના સંગઠનમાં શિસ્ત જાળવવા માટે કડક પગલાં લેવાની ફરજ પડી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે 49 હોદ્દેદારોને સસ્પેન્ડ કરીને કોંગ્રેસ હાઈકમાન્ડે સંગઠનમાં શિસ્તનો સંદેશ આપ્યો છે કે પછી આ કાર્યવાહીથી ગુજરાત યુથ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ અને જૂથબંધી વધુ વકરશે?ખાસ કરીને ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વિપુલ વસાવાના સસ્પેન્શન બાદ સ્થાનિક સંગઠનમાં આગામી દિવસોમાં કેવાં રાજકીય સમીકરણો સર્જાય છે તેના પર સૌની નજર મંડાઈ છે. પક્ષના આદેશની અવગણનાનો હિસાબ હવે સસ્પેન્શનથી ચૂકવવો પડ્યો છે. પરંતુ આ કાર્યવાહીથી સંગઠન મજબૂત બનશે કે કોંગ્રેસની આંતરિક ખેંચતાણ વધુ ખુલ્લી પડશે, તેનો જવાબ તો આવનારો સમય જ આપશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com