ભરૂચ જિલ્લાના કાંસિયા ગામે અંકુર વસાવાની વાડીમાંથી આશરે 8 ફૂટ લાંબો વિશાળ અજગર મળી આવતાં સ્થાનિકોમાં કુતૂહલ અને આશ્ચર્યની લાગણી પ્રસરી હતી. વાડીમાં અચાનક મહાકાય અજગર નજરે પડતાં વાડી માલિકે ગભરાયા વિના સમયસૂચકતા દાખવી ભરૂચના યોગેશ મિસ્ત્રીનો સંપર્ક કરી વન્યજીવ બચાવ ટીમને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ યોગેશભાઈ મિસ્ત્રી નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. વાડીમાં હાજર વિશાળ અજગરનું નિરીક્ષણ કર્યા બાદ ટીમના સભ્યોએ જરૂરી સુરક્ષા અને સાવચેતી સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત અને કુશળતાપૂર્વકની કામગીરી બાદ આશરે 8 ફૂટ લાંબા અજગરને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો.
રેસ્ક્યુ બાદ અજગરને માનવ વસાહતથી દૂર તેના માટે અનુકૂળ કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. વન્યજીવ બચાવ ટીમની સમયસરની કામગીરીથી સંભવિત જોખમ ટળતાં વાડી માલિક સહિત ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાએ ફરી એકવાર વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા રાખવાની અને આવા પ્રસંગોમાં જાતે જોખમ લેવાને બદલે નિષ્ણાત રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવાની જરૂરિયાત દર્શાવી છે. નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમની આ સેવાભાવી કામગીરીને સ્થાનિક ગ્રામજનોએ બિરદાવી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com