Skip to main content

Geo Gujarat News

ઝઘડિયા: દિવાળીના તહેવારોમાં ઔદ્યોગિક સુરક્ષા જવાનોની જવાબદારી વધશે, GIDCમાં 70 જેટલા સુરક્ષા કર્મીઓને ફાયર સેફ્ટી અને પ્રાથમિક સારવારની વિશેષ તાલીમ અપાઈ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC ખાતે દિવાળીના તહેવારો દરમિયાન ઔદ્યોગિક એકમોમાં આગ, વિસ્ફોટ કે અન્ય કોઈ કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક અને અસરકારક બચાવ કામગીરી હાથ ધરી શકાય તેવા હેતુથી વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા ઇન્ડસ્ટ્રિયલ્સ એસોસિએશનના સહયોગથી યોજાયેલી આ તાલીમમાં આશરે 70 જેટલા સુરક્ષા જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ, ભરૂચના નાયબ નિયામક એસ.પી. પાઠક તથા મદદનીશ નિયામક ડી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમમાં સુરક્ષા કર્મચારીઓને ફાયર સેફ્ટી, આગ નિયંત્રણની પદ્ધતિઓ અને પ્રાથમિક સારવાર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારો દરમિયાન અનેક ઔદ્યોગિક એકમોમાં કર્મચારીઓની સંખ્યા મર્યાદિત હોય છે, જ્યારે કેટલાક એકમો સંપૂર્ણપણે બંધ પણ રહેતા હોય છે. આવા સંજોગોમાં ઔદ્યોગિક એકમોની સુરક્ષાની મુખ્ય જવાબદારી સુરક્ષા જવાનોના ખભે આવતી હોય છે. જો આ સમયગાળા દરમિયાન આગ, વિસ્ફોટ કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાય તો શરૂઆતની થોડી મિનિટો અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરક્ષા જવાનોને કટોકટીના સમયે સૌપ્રથમ કયા પગલાં લેવા, આગની ઘટનામાં કેવી રીતે પ્રતિસાદ આપવો, અસરગ્રસ્તોને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેમજ બચાવ કામગીરી દરમિયાન વિવિધ વિભાગો સાથે સંકલન અને સંદેશાવ્યવહાર કેવી રીતે જાળવવો તેની વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દિવાળીના તહેવારો દરમિયાન ઔદ્યોગિક એકમોમાં સલામતી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો અને કોઈપણ અનિચ્છનીય ઘટના સમયે સુરક્ષા જવાનોને ગભરાયા વિના સમયસર યોગ્ય નિર્ણય લઈ શકે તે માટે સજ્જ કરવાનો હતો. ઔદ્યોગિક વિસ્તારોમાં તહેવારોના સમયગાળા દરમિયાન સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ તાલીમ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ બની છે. કારણ કે ઔદ્યોગિક દુર્ઘટનામાં સાવચેતી, સમયસરની કાર્યવાહી અને તાલીમબદ્ધ સુરક્ષા કર્મચારીઓ અનેક લોકોના જીવ અને સંપત્તિ બચાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!