ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વીજ પુરવઠાની મહત્વપૂર્ણ વ્યવસ્થા ગણાતા GETCOના 66 KV રંદેરી સબ-સ્ટેશનમાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સબ-સ્ટેશનમાં અચાનક આગ ફાટી નીકળતાં ભારે ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેના પગલે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની ચાર ટીમોને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફાયર જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સબ-સ્ટેશન જેવા સંવેદનશીલ વીજ માળખામાં આગ લાગવાની ઘટનાએ તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે.
વીજ સબ-સ્ટેશનમાં લાગેલી આગને કારણે વીજ પુરવઠો બંધ થતાં આસપાસના વિસ્તારોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આગ કયા કારણોસર લાગી, સબ-સ્ટેશનના કયા સાધનોને નુકસાન થયું અને આ ઘટનાથી કેટલું આર્થિક નુકસાન થયું છે તે અંગેની વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. સૌથી મોટો સવાલ એ છે કે વીજ પુરવઠા જેવી અત્યંત મહત્વપૂર્ણ વ્યવસ્થા ધરાવતા સબ-સ્ટેશનમાં આગ જેવી ગંભીર ઘટના સર્જાઈ જ કેવી રીતે? શું સબ-સ્ટેશનમાં પૂરતી ફાયર સેફ્ટી વ્યવસ્થા હતી? આગ લાગવાના ચોક્કસ કારણો અને સુરક્ષાની સ્થિતિ અંગે GETCOના જવાબદાર અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી હકીકત જાહેર કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com