સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે દેશની સુરક્ષાની મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવતા CISFના જવાનોની શારીરિક તંદુરસ્તી અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવાના ઉમદા હેતુ સાથે Hikal Ltd. દ્વારા આઉટડોર જિમની સુવિધા શરૂ કરવામાં આવી છે. કંપનીની સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત હાથ ધરવામાં આવેલી આ પહેલ સુરક્ષા જવાનોના કલ્યાણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક સરાહનીય પ્રયાસ બની છે. ગત 2 નવેમ્બરના રોજ CISF કેમ્પસ ખાતે આ સુવિધાનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. Hikalની CSR પહેલ અંતર્ગત Vishakha Baa Foundationના સહયોગથી તૈયાર કરવામાં આવેલા આ આઉટડોર જિમનું ઉદ્ઘાટન Hikalના પાનોલી ક્લસ્ટર હેડ સુબ્રત સત્યપથીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત એરપોર્ટના ડાયરેક્ટર આનંદ શર્મા, CISFના કમાન્ડન્ટ કુમાર અભિષેક સહિત Hikalના અન્ય અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં સતત તૈનાત રહેતા CISFના જવાનોની ફરજ શારીરિક રીતે અત્યંત પડકારજનક હોય છે. આવી સ્થિતિમાં તેમને નિયમિત કસરત માટે કેમ્પસમાં જ સુલભ સુવિધા મળી રહે તે હેતુથી આ જિમ ઊભું કરવામાં આવ્યું છે. આ સુવિધા જવાનોને તેમની દૈનિક ફરજની સાથે શારીરિક ક્ષમતા જાળવી રાખવા, સ્વાસ્થ્ય સુધારવા અને વધુ સક્રિય જીવનશૈલી અપનાવવામાં મદદરૂપ બનશે.
આ પ્રસંગે Hikalના પાનોલી ક્લસ્ટર હેડ સુબ્રત સત્યપથીએ જણાવ્યું હતું કે, દેશના મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ અને નાગરિકોની સુરક્ષાની જવાબદારી નિભાવતા CISFના જવાનો રાષ્ટ્રસેવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમની શારીરિક તંદુરસ્તી અને કાર્યક્ષમતા જળવાઈ રહે તે હેતુથી આ સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યારે CISFના કમાન્ડન્ટ કુમાર અભિષેકે Hikal કંપનીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જવાનોની દૈનિક ફરજની પડકારજનક પ્રકૃતિને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ આઉટડોર જિમ સુવિધા તેમના માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તે જવાનોને નિયમિત કસરત કરવા, સ્વસ્થ રહેવા અને પોતાની શારીરિક ક્ષમતા જાળવી રાખવા પ્રેરણા પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે Hikal Ltd. દ્વારા CSR અંતર્ગત હાથ ધરવામાં આવેલી આ પહેલ માત્ર એક જિમની સુવિધા ઊભી કરવા પૂરતી સીમિત નથી, પરંતુ દેશની સુરક્ષામાં દિવસ-રાત ખડેપગે રહેતા જવાનોના આરોગ્ય, સુખાકારી અને કલ્યાણ પ્રત્યેની જવાબદારીનું પણ પ્રતિબિંબ છે. સુરક્ષા જવાનોના યોગદાનને બિરદાવતી આ પહેલ કોર્પોરેટ સામાજિક જવાબદારીનું એક પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com