દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન આગની દુર્ઘટના કે અન્ય કોઈ કટોકટી સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ સજ્જ બન્યું છે. તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ફાયર વિભાગ દ્વારા વિશેષ તકેદારીનાં પગલાં લેવામાં આવ્યાં છે. આ અંતર્ગત વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને સમગ્ર સ્ટાફને ચોવીસ કલાક ફરજ પર હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા છે. ભરૂચ શહેરમાં દિવાળીના દિવસોમાં ફટાકડાની આતશબાજી દરમિયાન આગ લાગવાની કે અન્ય અકસ્માત સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે આગોતરું આયોજન કર્યું છે.
ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે, કોઈપણ સ્થળે ઇમરજન્સી સર્જાય તો ફાયર ટીમ ઝડપથી પહોંચી શકે તે માટે શહેરના ચાર મુખ્ય અને વ્યૂહાત્મક વિસ્તારોમાં વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો જરૂરી સાધનસામગ્રી સાથે સતત એલર્ટ રહેશે, જેથી કોલ મળતાની સાથે જ બચાવ અને આગ નિયંત્રણની કામગીરી શરૂ કરી શકાય. બીજી તરફ ફાયર વિભાગે નાગરિકોને પણ તહેવારોની ઉજવણી દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી છે. ફટાકડા ફોડતી વખતે બાળકો અને વૃદ્ધોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવા, ભીડભાડવાળા વિસ્તારો, સાંકડી ગલીઓ, વીજ ટ્રાન્સફોર્મર તેમજ કાપડના હંગામી મંડપોની નજીક ફટાકડા ન ફોડવા સૂચના આપવામાં આવી છે.
ફટાકડા હંમેશાં ખુલ્લી અને સુરક્ષિત જગ્યાએ જ ફોડવા તેમજ નજીકમાં પાણી ભરેલી ડોલ અથવા રેતીની વ્યવસ્થા રાખવા જણાવાયું છે. આ ઉપરાંત એકસાથે મોટી સંખ્યામાં ફટાકડા એકઠા ન રાખવા પણ સૂચવવામાં આવ્યું છે. ફાયર વિભાગે કંટ્રોલ રૂમમાં આવતા ખોટા અને બિનજરૂરી કોલને લઈને પણ નારાજગી વ્યક્ત કરી છે. ખોટા કોલના કારણે ફાયર વિભાગનો કિંમતી સમય અને સંસાધનોનો બગાડ થાય છે, જેના કારણે ખરેખર આગ કે અકસ્માતની ઘટનામાં મદદ પહોંચવામાં વિલંબ થવાની શક્યતા રહે છે. જેથી નાગરિકોને માત્ર વાસ્તવિક ઇમરજન્સી સમયે જ સંપર્ક કરવા અને કોલ કરતી વખતે ઘટનાસ્થળનું ચોક્કસ સરનામું આપવા અપીલ કરવામાં આવી છે. તહેવારોની ખુશી કોઈ દુર્ઘટનામાં ન ફેરવાય તે માટે ભરૂચ ફાયર વિભાગે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી છે. કોઈપણ આગ કે અકસ્માતની ઇમરજન્સી સ્થિતિમાં નાગરિકો ફાયર વિભાગના હેલ્પલાઇન નંબર 101 અથવા ઇમરજન્સી સેવા નંબર 112 પર સંપર્ક કરી શકે છે. ફાયર વિભાગે નાગરિકોને સુરક્ષિત રીતે તહેવારોની ઉજવણી કરી તંત્રને સહકાર આપવા અપીલ કરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com