Skip to main content

Geo Gujarat News

ભરૂચ જિલ્લામાં 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહની ભવ્ય ઉજવણી, નેત્રંગમાં 15 નવેમ્બરે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે

ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતીય નાયકોના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરવાના હેતુથી ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 15 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત 12થી 18 નવેમ્બર દરમિયાન સમગ્ર જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહ-2026 અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક, સામાજિક અને રમતગમતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહ દરમિયાન યુવા સંવાદ, આદિવાસી રેલી, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, પરંપરાગત દેશી રમતો અને આદિજાતિ મહિલા સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે. આ સમગ્ર ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને આયોજન અને વ્યવસ્થાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરી સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જનજાતીય ગૌરવ સપ્તાહના ભાગરૂપે 13 નવેમ્બરના રોજ 500 જેટલા યુવાઓની સહભાગિતા સાથે યુવા સંવાદ કાર્યક્રમ યોજાશે. જેમાં યુવા પેઢીને આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસ, પરંપરા, સંસ્કૃતિ તેમજ દેશની આઝાદી માટે સંઘર્ષ કરનારા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને યોગદાન વિશે માહિતગાર કરવામાં આવશે.14 નવેમ્બરના રોજ જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયત કક્ષાએ ભગવાન બિરસા મુંડા અને અન્ય આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓની સાફસફાઈ, પૂજનવિધિ, જીવનચરિત્રનું પઠન અને દીપોત્સવ જેવા કાર્યક્રમો યોજાશે. આ માધ્યમથી મહાન જનજાતીય નાયકોના જીવન અને સંઘર્ષને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. સપ્તાહનો મુખ્ય આકર્ષણ 15 નવેમ્બરના રોજ નેત્રંગ સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં યોજાનારો જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ રહેશે. મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમ ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પુષ્પાંજલિ કાર્યક્રમો, ડીજે સાથે આદિવાસી રેલીઓ તેમજ મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. ત્યારબાદ 16 નવેમ્બરના રોજ ઝઘડિયા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે, જેમાં સમાજના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહી જનજાતીય સમાજના વિકાસ, વારસો અને સામાજિક પ્રગતિના મુદ્દાઓ પર સહભાગી બનશે. 17 નવેમ્બરના રોજ પરંપરાગત ગ્રામીણ રમતોને પ્રોત્સાહન આપવાના આશયથી વિશેષ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કબડ્ડી, ખો-ખો, ગિલ્લીદંડા સહિત કુલ 15 દેશી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આયોજન દ્વારા લુપ્ત થતી પરંપરાગત રમતોને જીવંત રાખવાની સાથે યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરાશે.જનજાતીય ગૌરવ સપ્તાહના અંતિમ દિવસે એટલે કે 18 નવેમ્બરના રોજ અંદાજે 500 આદિવાસી મહિલાઓની ઉપસ્થિતિમાં આદિજાતિ મહિલા સંમેલન યોજાશે. આ સંમેલન દ્વારા આદિવાસી મહિલાઓની સામાજિક ભાગીદારી, સશક્તિકરણ અને વિકાસને પ્રાધાન્ય આપવામાં આવશે. સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ તમામ કાર્યક્રમો સુચારુ અને સફળતાપૂર્વક યોજાય તે માટે સ્થળની પસંદગી, સ્ટેજ વ્યવસ્થા, પીવાના પાણી, ફૂડ પેકેટ સહિતની તમામ આવશ્યક સુવિધાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, ભરૂચ જિલ્લામાં એક સપ્તાહ સુધી ચાલનારી ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી માત્ર એક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહેતા આદિવાસી સમાજના ગૌરવશાળી વારસા, સંસ્કૃતિ, પરંપરા અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી નવી પેઢીમાં ગૌરવ અને જાગૃતિની ભાવના પ્રબળ બનાવવાનું માધ્યમ બનશે.

 

 

 

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!