Skip to main content

Geo Gujarat News

ભરૂચ: દિવાળીના ફટાકડાના ધુમાડાની આડમાં હવામાં ઝેર કોણ ભેળવી રહ્યું છે? AQIનો આંકડો 1300ને પાર જતાં ખળભળાટ, GPCBની કામગીરી સામે સવાલોનો મારો!

ભરૂચ શહેરમાં દિવાળીના પર્વની ઉજવણી વચ્ચે હવાનું પ્રદૂષણ ચિંતાજનક હદે પહોંચતાં પર્યાવરણ અને નાગરિકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. દિવાળીની રાત્રે ફટાકડાના બેફામ ઉપયોગની સાથે ઔદ્યોગિક એકમોમાંથી થતા ઉત્સર્જનની આશંકાએ સમગ્ર વાતાવરણને ધુમાડાના ઘેરામાં ધકેલી દીધું હતું. શહેરના અનેક વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા અને ધુમ્મસ જેવી સ્થિતિ સર્જાતાં જાણે ભરૂચની હવામાં ઝેર ભળી ગયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. દિવાળીની રાત્રે શહેરના મુખ્ય માર્ગોથી લઈને રહેણાંક વિસ્તારો સુધી ધુમાડાનું પ્રમાણ વધી જતાં વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક જગ્યાએ દૃશ્યતા ઘટતાં વાહનચાલકોએ અકસ્માતની ભીતિ વચ્ચે ધીમી ગતિએ વાહનો ચલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ, પ્રદૂષિત હવાને કારણે આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ અંગે નાગરિકોમાં ચિંતા ફેલાઈ હતી. સવાલ એ છે કે તહેવારની ઉજવણીના નામે નાગરિકોને પ્રદૂષિત હવામાં શ્વાસ લેવા મજબૂર થવું પડે તે કેટલું યોગ્ય?આ મામલે સ્થાનિક જાગૃત નાગરિક ધવલ કનોજીયાએ ચોંકાવનારી ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ગત વર્ષે દિવાળી દરમિયાન AQIનો આંકડો 500થી 800ની આસપાસ પહોંચ્યો હતો, જ્યારે આ વર્ષે મોબાઈલ એપ્લિકેશનમાં AQI 1300ને પાર દર્શાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમણે ગંભીર આશંકા વ્યક્ત કરી છે કે દિવાળીના ફટાકડાના ધુમાડાની આડમાં કેટલીક ઔદ્યોગિક કંપનીઓ રાત્રિના સમયે ઝેરી ગેસનું ઉત્સર્જન કરતી હોઈ શકે છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ અને વૈજ્ઞાનિક તપાસ થવી જરૂરી છે. સૌથી મોટો સવાલ એ છે કે ભરૂચ જેવા ઔદ્યોગિક શહેરમાં હવાની ગુણવત્તા માપવા માટે પૂરતી સત્તાવાર વ્યવસ્થા છે કે નહીં? મોબાઈલ એપ્લિકેશનમાં હજારોની નજીક પહોંચતા AQIના આંકડા દર્શાવાય છે, પરંતુ તંત્ર પાસે સ્થળવાર સત્તાવાર આંકડા ઉપલબ્ધ છે કે કેમ? જો કોઈ ઔદ્યોગિક એકમ નિયમોનો ભંગ કરીને હવામાં પ્રદૂષણ ફેલાવતું હોય તો તેની જવાબદારી કોણ નક્કી કરશે?સ્થાનિક નાગરિક દ્વારા GPCB અને વહીવટી તંત્ર સમક્ષ શહેરના વિવિધ વિસ્તારોમાં સત્તાવાર એર ક્વોલિટી મોનિટરિંગ મશીનો સ્થાપવાની માંગ કરવામાં આવી છે. જેથી હવાની ગુણવત્તાના વાસ્તવિક આંકડા જાહેર થઈ શકે અને પ્રદૂષણ ફેલાવતા એકમોની ઓળખ કરી શકાય. હવે GPCB અને જિલ્લા વહીવટી તંત્રએ માત્ર કાગળ પરની કાર્યવાહીથી આગળ વધીને ભરૂચ શહેરની હવાની ગુણવત્તાની વૈજ્ઞાનિક તપાસ કરવી જોઈએ. ખાસ કરીને રાત્રિના સમયે ઔદ્યોગિક એકમોમાંથી થતા ઉત્સર્જનનું નિરીક્ષણ, ચીમનીઓની તપાસ અને જરૂર જણાય ત્યાં હવાના નમૂનાઓનું પરીક્ષણ કરવું અત્યંત જરૂરી છે. દિવાળીના દીવડાઓના પ્રકાશ વચ્ચે ભરૂચની હવા ધુમાડાથી ઘેરાઈ રહી હોય તો આ માત્ર પર્યાવરણનો નહીં, પરંતુ હજારો નાગરિકોના જીવન અને આરોગ્યનો સવાલ છે. આખરે ભરૂચની હવામાં પ્રદૂષણ ફેલાવનાર કોણ છે? GPCB આ દિશામાં ક્યારે નક્કર તપાસ કરશે? અને નાગરિકોને શુદ્ધ હવા ક્યારે મળશે? હવે તંત્રએ જવાબ આપવાનો સમય આવી ગયો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!