ભરૂચ શહેરના શાલીમાર ચોકડી નજીક નગરપાલિકા કચેરી પાસે એસટી બસની બ્રેક ફેલ થતાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બસની બ્રેક અચાનક ફેલ થતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બેકાબૂ બનેલી બસે શોપિંગ સેન્ટરની બહાર પાર્ક કરેલાં અનેક ટુ-વ્હીલર વાહનોને જોરદાર ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી અને વાહનોની અવરજવર ખોરવાતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, અન્યથા વ્યસ્ત વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. ખરીદી કરવા આવેલા ગ્રાહકોએ શોપિંગ સેન્ટરની બહાર પોતાનાં વાહનો પાર્ક કર્યાં હતાં. દરમિયાન એસટી બસની બ્રેક ફેલ થતાં નિર્દોષ ગ્રાહકોનાં વાહનો બસની અડફેટે ચડી ગયાં હતાં. ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન મહેનતની કમાણીમાંથી નવાં વાહનો ખરીદનારાઓનાં વાહનોને નુકસાન થતાં વાહનમાલિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. તહેવારની ખુશી વચ્ચે સરકારી બસની ટેકનિકલ ખામીના કારણે લોકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
આ ઘટનાએ એસટી તંત્રની બસોની જાળવણી અને ટેકનિકલ તપાસની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આખરે મુસાફરો અને રસ્તા પર ચાલતા નાગરિકોની સુરક્ષાની જવાબદારી કોની? શું બસોને રસ્તા પર ઉતારતાં પહેલાં બ્રેક સહિતનાં મહત્ત્વનાં ટેકનિકલ સાધનોની યોગ્ય ચકાસણી કરવામાં આવે છે કે પછી માત્ર કાગળ પર જ ફિટનેસ અને જાળવણીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે છે? જો બ્રેક ફેલ થવા જેવી ગંભીર ખામી રસ્તા પર દોડતી બસમાં સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? અકસમાત બાદ બસને સ્થળ પરથી ખસેડવાની અને નુકસાનગ્રસ્ત વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હવે એસટી વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી બ્રેક ફેલ થવાનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવે, બસની ટેકનિકલ સ્થિતિ અને ફિટનેસ રેકોર્ડની તપાસ કરવામાં આવે તેમજ નુકસાનગ્રસ્ત વાહનોના માલિકોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઊઠી છે. સરકારી પરિવહન સેવા લોકોની સુવિધા માટે છે, લોકોની માલમિલકત અને જીવ જોખમમાં મૂકવા માટે નહીં. એસટી તંત્ર હવે જવાબદારી સ્વીકારી નક્કર કાર્યવાહી કરશે કે પછી આ ઘટનાને પણ તપાસના નામે ફાઈલોમાં દફનાવી દેશે?

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com