ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પીપલિયામાં ગામે માનવતા, સેવાભાવ અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. મુસ્લિમ સમાજના દાનવીરો ઝફરભાઈ અને અયાઝભાઈ, ઇકબાલભાઈ ઉઘરાદારના પુત્રો દ્વારા ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળના સથવારે સતત પાંચમા વર્ષે પણ સેવાકીય પરંપરા જાળવી રાખવામાં આવી હતી. આ પ્રસંગે પોતાના સ્વખર્ચે આદિવાસી સમાજની માતા-બહેનોને સાડીનું તેમજ સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધર્મ કે જ્ઞાતિના કોઈપણ ભેદભાવ વિના જરૂરિયાતમંદ પરિવારોની પડખે ઊભા રહી કરવામાં આવેલી આ પહેલે ઉપસ્થિત સૌના હૃદય જીતી લીધા હતા. આ સેવાકીય કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળના જિલ્લા પ્રમુખ મહેશભાઈ એસ. રાઠોડ, ઉપપ્રમુખ મુકેશભાઈ એમ. રાઠોડ, આમોદ તાલુકા પ્રમુખ નટવરભાઈ રાઠોડ, વાગરા તાલુકા પ્રમુખ સંજયભાઈ રાઠોડ તેમજ ભરૂચ તાલુકા વિસ્તારના પ્રમુખ રમેશભાઈ રાઠોડ સહિત મંડળના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ દાનવીર પરિવારના સેવાકાર્યને બિરદાવી સમાજમાં આવી માનવતાભરી પ્રવૃત્તિઓ વધુને વધુ પ્રેરણારૂપ બને તેવી લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ એક બિનરાજકીય સામાજિક સંગઠન તરીકે જિલ્લાના વિવિધ ગામોમાં દાતાશ્રીઓના સહયોગથી સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરે છે. ખાસ કરીને આદિવાસી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે, કોઈ બાળક આર્થિક મુશ્કેલીના કારણે શિક્ષણથી વંચિત ન રહે તેમજ યુવાનોમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતુથી વિવિધ શાળાઓમાં શૈક્ષણિક અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.
પીપરીયા ગામે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર સાડી અને સ્કૂલ બેગના વિતરણ પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ તેણે સમાજને એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો કે ધર્મ અલગ હોઈ શકે, જ્ઞાતિ અલગ હોઈ શકે, પરંતુ માનવતા, કરુણા અને સેવાભાવની કોઈ સીમા હોતી નથી. મુસ્લિમ સમાજના દાનવીરો દ્વારા આદિવાસી સમાજની માતા-બહેનો અને બાળકો માટે કરવામાં આવેલી આ પહેલ કોમી એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતાની જીવંત મિસાલ બની છે. સાચા અર્થમાં માનવતાનો ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે તેવો સંદેશ પીપરીયાની ધરતી પરથી પ્રસર્યો હતો.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com