ભરૂચ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે 12થી 18 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં જંગલની જમીન ખેડતા અંદાજે 2,999 આદિવાસી ખેડૂતોને આગામી 15 નવેમ્બરના રોજ જમીનના હકપત્રો એનાયત કરવામાં આવશે. વર્ષોથી જમીન ખેડતા આદિવાસી પરિવારોને જમીન પર કાયદેસરના અધિકાર અપાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ અંગે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે પત્રકાર પરિષદ યોજી જનજાતીય ગૌરવ સપ્તાહ દરમિયાન આયોજિત થનારા વિવિધ કાર્યક્રમોની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અને સંગઠનના સંયુક્ત ઉપક્રમે સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીનો મુખ્ય હેતુ ભગવાન બિરસા મુંડા સહિતના આદિવાસી મહાનાયકોની શૌર્યગાથા, સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાન, સામાજિક પરિવર્તન માટેના સંઘર્ષ તેમજ કુરિવાજો સામેની લડતને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે.
મંત્રી ઈશ્વરસિંહ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દેશનાં અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ જંગલ જમીનના હકપત્રો આપવામાં આવ્યા છે. આ પ્રક્રિયા હજુ પણ ચાલુ રહેશે અને કાયદાકીય નિયમો મુજબ પાત્રતા ધરાવતા બાકી આદિવાસી ખેડૂતોને પણ આગામી સમયમાં જમીનના હકપત્રો આપવામાં આવશે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ, રસ્તાઓ સહિતના વિવિધ વિકાસકાર્યો અને આદિવાસી પરિવારોનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયાસોને પણ આ અભિયાનમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કેટલાક રસ્તાઓને ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડવાની યોજના પણ વિચારાધીન છે.
જનજાતીય ગૌરવ સપ્તાહ દરમિયાન આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, વીરતા અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાશે. પત્રકાર પરિષદના અંતે જિલ્લાના નાગરિકોને આ ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી બની આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને યોગદાનને સન્માનિત કરવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રિતેશ વસાવા, ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર અને ઝઘડિયાના દિનેશ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com