ભરૂચ જિલ્લામાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના તહેવારોની ઉજવણી વચ્ચે ઈમરજન્સી સેવાઓ પર કામનું ભારણ વધ્યું હતું. તહેવારોના ત્રણ દિવસ દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવામાં કુલ 404 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં નૂતન વર્ષના દિવસે સૌથી વધુ 157 કેસ નોંધાતાં સામાન્ય દિવસોની સરખામણીએ ઈમરજન્સી કેસોમાં 45.56 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. 108ના આંકડા મુજબ ભરૂચ જિલ્લામાં સામાન્ય દિવસોમાં સરેરાશ 108 ઈમરજન્સી કેસ નોંધાય છે. જોકે, તહેવારો દરમિયાન આ આંકડામાં વધારો થયો હતો. 8 નવેમ્બરના રોજ દિવાળીના દિવસે 136 કેસ નોંધાયા હતા, જેમાં વાહન અકસ્માતના 36, પ્રસૂતિના 33 તથા વાહન સિવાયના અકસ્માત અને ઈજાના 19 કેસનો સમાવેશ થાય છે. આમ દિવાળીના દિવસે સામાન્ય દિવસોની સરખામણીએ 26.09 ટકા વધુ ઈમરજન્સી નોંધાઈ હતી. જ્યારે 10 નવેમ્બરના રોજ નૂતન વર્ષના દિવસે ઈમરજન્સી કેસોમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ દિવસે કુલ 157 કેસ નોંધાયા હતા. જેમાં વાહન અકસ્માતના 31, અન્ય અકસ્માતના 27, પ્રસૂતિના 30, પેટમાં દુખાવાના 17 તેમજ ઝેરી અસર અને ફૂડ પોઈઝનિંગના 13 કેસ નોંધાયા હતા. બીજી તરફ 11 નવેમ્બરના રોજ ભાઈબીજના દિવસે 111 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં પ્રસૂતિના 27, વાહન અકસ્માતના 22, અજ્ઞાત સમસ્યાના 16 અને પેટમાં દુખાવાના 12 કેસનો સમાવેશ થાય છે.
તહેવારોના માહોલમાં એક તરફ લોકો પરિવાર સાથે ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યારે બીજી તરફ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે 108ની ટીમ સતત કાર્યરત રહી હતી. એમ્બ્યુલન્સ પાયલોટ અને ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન કર્મચારીઓએ રજાના દિવસોમાં પણ પોતાની ફરજ નિભાવી દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે કામગીરી કરી હતી. આ અંગે ભરૂચ જિલ્લા 108-112ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરેએ જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન ધારણા કરતાં વધુ ઈમરજન્સી કેસ નોંધાયા હતા.
દિવાળીના સમગ્ર સમયગાળા દરમિયાન કેસોમાં સરેરાશ 35થી 40 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. જોકે, રજાઓ હોવા છતાં 108ની ટીમે સતત સેવા જાળવી રાખી હતી. આમ, તહેવારોની ખુશીઓ વચ્ચે ભરૂચ જિલ્લામાં 108 ઈમરજન્સી સેવાની ટીમ માટે આ ત્રણ દિવસ ભારે દોડધામભર્યા રહ્યા હતા. લોકોની ઉજવણી સુરક્ષિત રહે અને કટોકટીના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે 108ના કર્મચારીઓની કામગીરી ફરી એકવાર મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com