Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર: ભડકોદરાના અયોધ્યા નગર-1માં તસ્કરોનો તરખાટ! બંધ મકાનનાં તાળાં તોડી રૂ.7 લાખની માલમત્તા સાફ કરી તસ્કરો ફરાર

અંકલેશ્વર તાલુકામાં તસ્કરોએ ફરી એકવાર પોલીસની સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે. ભડકોદરા ગામના અયોધ્યા નગર-1માં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તાળાં તોડી ઘરમાં ઘૂસણખોરી કરી હતી અને અંદાજે રૂ.7 લાખની માલમત્તા ચોરી કરી ફરાર થઈ જતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મકાન બંધ હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરના દરવાજાનાં તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરમાંથી કિંમતી માલમત્તા ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા. મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતાં જ આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો અને ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં.ઘટનાની જાણ થતાં GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મકાનનું નિરીક્ષણ કરી ચોરી અંગેની વિગતો મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ મામલે મકાનમાલિક બ્રિજેશ કુમાર પાલે GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.હવે પોલીસ સામે તસ્કરોને ઝડપી પાડવાનો પડકાર છે. તસ્કરોએ કઈ રીતે મકાનમાં પ્રવેશ કર્યો, ચોરી કર્યા બાદ કઈ દિશામાં ફરાર થયા અને આ ઘટનામાં કોઈ જાણભેદુની સંડોવણી છે કે કેમ તે સહિતના તમામ પાસાઓની તપાસ જરૂરી બની છે. રહેણાંક વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરીની ઘટનાએ સ્થાનિકોની સુરક્ષા અંગે ચિંતા વધારી છે. તસ્કરોને કાયદાનો ડર રહ્યો છે કે કેમ તેવો સવાલ પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!