ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં રખડતાં પશુઓનો આતંક હવે હદ વટાવી રહ્યો છે. નગરપાલિકાના પ્રમુખના જ વોર્ડમાં બે માસૂમ બાળકો પર રખડતી ગાયે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, રસ્તા પર રખડતી ગાયે બંને બાળકોને અડફેટે લઈ ભેટી મારતાં બાળકોમાં ફફડાટ અને ચીસાચીસ મચી ગઈ હતી. બાળકોની બૂમો સાંભળીને સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ગાયના હુમલામાંથી બંને બાળકોનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે સ્થાનિકોની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી, પરંતુ સવાલ એ છે કે શું આમોદમાં નાગરિકોની સુરક્ષાની કોઈ જવાબદારી જ નથી? વધુ ગંભીર બાબત એ છે કે જે વોર્ડમાં નગરપાલિકાના પ્રમુખ પોતે રહે છે, ત્યાં જ જો બે માસૂમ બાળકો રખડતા પશુઓના હુમલાથી સુરક્ષિત ન હોય તો શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે તેનો અંદાજ લગાવી શકાય છે.
થોડા સમય અગાઉ નગરપાલિકા દ્વારા રખડતાં પશુઓને પકડવાની કામગીરી હાથ ધરી જાણે સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દીધો હોય તેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે થોડા સમયની કાર્યવાહી બાદ ફરી રસ્તાઓ પર રખડતાં પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. શું પશુ પકડવાની કામગીરી માત્ર દેખાડા અને વાહવાહી મેળવવા પૂરતી જ સીમિત છે? જો પકડાયેલા પશુઓ ફરી રસ્તા પર આવી રહ્યા હોય તો તેની પાછળનું કારણ શું છે?
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વારંવાર નગરપાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખ સમક્ષ આ સમસ્યા રજૂ કરવામાં આવી હોવા છતાં નક્કર અને કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. નાગરિકોની સુરક્ષાનો પ્રશ્ન હોય ત્યારે માત્ર આશ્વાસન આપીને જવાબદારી પૂર્ણ થઈ જતી નથી. એક તરફ રખડતાં પશુઓ અને બીજી તરફ રખડતા શ્વાનનો વધતો આતંક આમોદના નાગરિકો માટે માથાનો દુખાવો બન્યો છે. બાળકો શાળાએ જતાં હોય, મહિલાઓ ખરીદી માટે નીકળતી હોય કે વૃદ્ધો રસ્તા પરથી પસાર થતા હોય, દરેકના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. હવે નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીએ સ્પષ્ટ જવાબ આપવો પડશે કે જાહેર માર્ગો પરથી રખડતાં પશુઓનો આતંક દૂર કરવાની જવાબદારી કોની છે? પ્રમુખના જ વોર્ડમાં બનેલી ઘટના તંત્ર માટે ચેતવણીરૂપ હોવા છતાં હવે પણ આંખ આડા કાન કરવામાં આવશે?
શું કોઈ બાળક ગંભીર રીતે ઘાયલ થાય અથવા કોઈ નાગરિકનો જીવ જાય ત્યાર બાદ જ તંત્ર કાયમી કાર્યવાહી કરશે? આમોદના નગરજનોને હવે કાગળ પરની કામગીરી, ફોટોસેશન અને એકાદ દિવસના દેખાડાની નહીં, પરંતુ સતત અને અસરકારક કાર્યવાહીની જરૂર છે. પશુઓને પકડી યોગ્ય વ્યવસ્થા કરવી, ફરી રસ્તા પર ન આવે તેની જવાબદારી નક્કી કરવી અને રખડતા શ્વાનની સમસ્યાનો પણ કાયદેસર ઉકેલ લાવવો સમયની માંગ છે. બે માસૂમ બાળકો પર થયેલો હુમલો માત્ર એક ઘટના નથી, પરંતુ નગરપાલિકાની જાહેર સુરક્ષા વ્યવસ્થાની કામગીરી સામે ઊભો થયેલો ગંભીર પ્રશ્ન છે. હવે જોવાનું એ રહ્યું કે આ ઘટનામાંથી બોધપાઠ લઈને તંત્ર જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે!

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com