Skip to main content

Geo Gujarat News

ભરૂચ: દિવાળીના તહેવારોમાં એસટી વિભાગની સફળ કામગીરી, 160થી વધુ વધારાની બસો દોડાવી, 10 હજારથી વધુ મુસાફરોને મળી રાહત

ભરૂચ જિલ્લામાં આવેલી વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમિકો, કારીગરો અને રત્નકલાકારો દિવાળીના તહેવારોમાં પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોવાથી દર વર્ષે મુસાફરોની સંખ્યામાં મોટો વધારો જોવા મળે છે. ખાસ કરીને દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોની ભારે ભીડને પગલે પરિવહન વ્યવસ્થા સામે મોટો પડકાર ઊભો થતો હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ એસટી વિભાગ દ્વારા મુસાફરોને સરળ, સુરક્ષિત અને આર્થિક મુસાફરી મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. 4થી 7 નવેમ્બર દરમિયાન ભોલાવ, જીએનએફસી અને અંકલેશ્વર હાઈવે બસ સ્ટેન્ડ સહિતના વિવિધ સ્થળોએથી અલગ-અલગ રૂટ પર 160થી વધુ વધારાની બસો દોડાવવામાં આવી હતી. એસટી વિભાગના આ આયોજનને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ચાર દિવસના સમયગાળામાં 10 હજારથી વધુ મુસાફરોએ એસટી બસની સુવિધાનો લાભ લીધો હતો. જેના પરિણામે ભરૂચ એસટી ડિવિઝનને રૂ. 33 લાખથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી. ખાસ કરીને દાહોદ અને પંચમહાલના શ્રમિકો તેમજ સૌરાષ્ટ્ર તરફ જતા રત્નકલાકારો માટે આ વધારાની બસો આશીર્વાદરૂપ સાબિત થઈ હતી.50 મુસાફરોનું ગ્રૂપ હોય તો સોસાયટી સુધી બસની સુવિધા, આગામી તહેવારોમાં પણ વધારાની બસોનું આયોજન કરાશે: ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોને તહેવારો દરમિયાન વતન જવામાં પડતી મુશ્કેલીઓ ઘટાડવા એસટી નિગમ દ્વારા ગ્રૂપ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો 50 કે તેથી વધુ મુસાફરો એકસાથે મુસાફરી માટે નોંધણી કરાવે તો એસટી વિભાગ દ્વારા તેમના રહેણાંક વિસ્તાર અથવા સોસાયટી સુધી સીધી બસની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. આ સુવિધાથી મુસાફરોને બસ ડેપો સુધી પહોંચવાની અગવડતા અને લાંબી કતારોમાંથી પણ રાહત મળે છે. આ અંગે ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ ક્ષત્રીવાલાએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. 160થી વધુ બસોમાં 10 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી અને વિભાગને રૂ. 33 લાખથી વધુની આવક થઈ છે. એસટી નિગમની સેવાઓ પર વિશ્વાસ મૂકવા બદલ તેમણે મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ આગામી સમયમાં મુસાફરોની સંખ્યા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આમ, તહેવારોના માહોલમાં ખાનગી વાહનોના ઊંચા ભાડા વચ્ચે ભરૂચ એસટી વિભાગનું વિશેષ બસ આયોજન શ્રમિકો અને રત્નકલાકારો માટે રાહતરૂપ બન્યું હતું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!