ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે મામલતદાર કચેરી ખાતે ભવ્ય સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના હજારો લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને મહાન ક્રાંતિકારી, જનનાયક ભગવાન બિરસા મુંડાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જોકે, આ ભવ્ય ઉજવણી વચ્ચે આમોદ નગરપાલિકાના કોંગ્રેસી પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તાલુકાના કોંગ્રેસી આગેવાનોની ગેરહાજરી ચર્ચાનો મુખ્ય વિષય બની હતી. એક તરફ આદિવાસી સમાજ પોતાના મહાનાયકની જન્મજયંતી ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યો હતો, તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલા કોંગ્રેસી હોદ્દેદારોની ગેરહાજરીએ અનેક સવાલો ઊભા કર્યા છે.
ખાસ કરીને આદિવાસી સમાજના પ્રતિનિધિત્વ સાથે જોડાયેલા કોંગ્રેસી હોદ્દેદારો પણ કાર્યક્રમમાં જોવા ન મળતાં સમાજના આગેવાનો અને નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી. આદિવાસી સંગઠન દ્વારા મીડિયા સમક્ષ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. સંગઠનના આગેવાનોના જણાવ્યા મુજબ ભગવાન બિરસા મુંડા કોઈ એક રાજકીય પક્ષના નેતા નહોતા, પરંતુ આદિવાસી સમાજની અસ્મિતા, સ્વાભિમાન, સંઘર્ષ અને બલિદાનના પ્રતીક છે. તેમના સન્માનના કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરી માત્ર ઔપચારિકતા નહીં, પરંતુ સમાજ પ્રત્યેની સામાજિક જવાબદારીનો પણ વિષય છે.
સવાલ એ પણ ઊભો થાય છે કે જ્યારે સરકારી સ્તરે આટલા મોટા પાયે કાર્યક્રમ યોજાયો હતો અને આદિવાસી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો, ત્યારે આમોદ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત તાલુકાના કોંગ્રેસી આગેવાનો આ કાર્યક્રમથી દૂર કેમ રહ્યા? શું તેમને કાર્યક્રમ અંગે જાણ કરવામાં આવી નહોતી કે પછી અન્ય કોઈ કારણસર તેઓ હાજર રહી શક્યા નહોતા? આ અંગે સંબંધિત હોદ્દેદારોનો ખુલાસો પણ એટલો જ જરૂરી છે. રાજકીય હોદ્દા મેળવવા અને જનતા વચ્ચે હાજરી પૂરાવવી જેટલું મહત્ત્વનું છે, એટલું જ મહત્ત્વ સમાજના મહાનાયકોના સન્માન અને ઐતિહાસિક પ્રસંગોમાં સહભાગી થવાનું પણ છે.
જોકે, માત્ર એક કાર્યક્રમમાં ગેરહાજરીના આધારે કોઈના ઇરાદા અંગે નિર્ણય કરી શકાય નહીં, પરંતુ આ ગેરહાજરી અંગે ઊભા થયેલા સવાલોના જવાબ આપવાની જવાબદારી સંબંધિત ચૂંટાયેલા પ્રતિનિધિઓની ચોક્કસપણે બને છે. હવે જોવાનું એ રહ્યું કે આદિવાસી સમાજની નારાજગી વચ્ચે આમોદના કોંગ્રેસી હોદ્દેદારો પોતાની ગેરહાજરી અંગે શું સ્પષ્ટતા કરે છે? ભગવાન બિરસા મુંડાનું સન્માન કોઈ પક્ષની રાજકીય મિલકત નથી. તે સમગ્ર આદિવાસી સમાજના ગૌરવ, અસ્મિતા અને સ્વાભિમાનનો વિષય છે. આવા પ્રસંગે રાજકીય મતભેદોથી ઉપર ઊઠીને સમાજના મહાનાયકને નમન કરવું એ જ સાચી સામાજિક સંવેદનશીલતા છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023