Skip to main content

Geo Gujarat News

આમોદ નગરપાલિકામાં જ સ્વચ્છતાના ધજાગરા! સ્વચ્છ ભારતના બેનરો લગાવતી પાલિકાની પોતાની કચેરી ગંદકીથી ખદબદી!

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકામાં સ્વચ્છ ભારત અભિયાનના દાવાઓ સામે જ ગંભીર સવાલો ઊભા થયા છે. એક તરફ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના મોટા-મોટા બેનરો લગાવી નાગરિકોને સ્વચ્છતાનો પાઠ ભણાવવામાં આવે છે, તો બીજી તરફ નગરપાલિકાની પોતાની કચેરીમાં જ ગંદકીની સ્થિતિ જોવા મળતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.જાણે કહેવત પ્રમાણે દીવા તળે જ અંધારું હોય તેવો ઘાટ સર્જાયો છે. મળતી વિગતો અને સામે આવેલી સ્થિતિ મુજબ નગરપાલિકાની કચેરીના નીચેના માળે આવેલા ટોયલેટ બંધ હાલતમાં છે, ઉપરના માળે પાણીની સમસ્યા છે, જ્યારે છત પર વિમલની પિચકારીઓ જોવા મળે છે. એટલું જ નહીં, કચેરીની પાછળના ભાગમાં કચરાના ઢગલા પણ સ્વચ્છતાની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે. સરકારી કચેરીમાં જ આવી સ્થિતિ હોય તો સામાન્ય નાગરિકોને સ્વચ્છતા અંગે ઉપદેશ આપવાનો નૈતિક અધિકાર કેટલો રહે છે તેવો સવાલ હવે ઊઠી રહ્યો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા માટે વિવિધ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ સફાઈ અને કચરાના નિકાલ પાછળ નાણાં ખર્ચે છે. આમ છતાં આમોદ નગરપાલિકાની પોતાની કચેરીમાં જ જો સ્વચ્છતાની આવી સ્થિતિ હોય તો સફાઈના નામે થતી કામગીરી અને ખર્ચની પારદર્શિતા તપાસવી જરૂરી બની બીજી તરફ નગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવનારા નાગરિકો સામે 1,000 સુધીના દંડની ચેતવણી આપવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે જનતાને દંડનો ડર બતાવતી નગરપાલિકા પોતાના કાર્યાલયની ગંદકી દૂર કરવામાં કેમ નિષ્ફળ સાબિત થઈ રહી છે? નિયમો માત્ર નાગરિકો માટે જ છે કે પછી સરકારી કચેરીઓ અને જવાબદાર અધિકારીઓને પણ લાગુ પડે છે? સૌથી ગંભીર સવાલ એ છે કે સફાઈ પાછળ ફાળવાતા અને ખર્ચાતા લાખો રૂપિયાનો વાસ્તવિક હિસાબ શું છે? કચેરીની નિયમિત સફાઈની જવાબદારી કોની છે? ટોયલેટ બંધ હોવા, પાણીની સમસ્યા અને કચરાના ઢગલા જેવી બાબતો અંગે જવાબદાર અધિકારીઓએ અત્યાર સુધી શું પગલાં લીધાં છે? આ તમામ મુદ્દે નગરપાલિકાએ સ્પષ્ટતા કરવી જરૂરી બની છે.હવે નગરપાલિકાના જવાબદારો માત્ર બેનરો અને સ્વચ્છતાના સૂત્રોથી સંતોષ માનવાને બદલે પોતાની કચેરીની વાસ્તવિક સ્થિતિ સુધારે તે જરૂરી છે. જનતાને સ્વચ્છતાના પાઠ ભણાવતા પહેલાં પોતાની કચેરીને સ્વચ્છ રાખીને ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. નગરપાલિકાના સફાઈ ખર્ચનો હિસાબ જાહેર થાય અને કચેરીમાં તાત્કાલિક સ્વચ્છતા જાળવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી રહી છે.જનતાને દંડની ચેતવણી અને પોતાની કચેરીમાં ગંદકી? આ તે કેવી સ્વચ્છતાની નીતિ? હવે આમોદની જનતા બેનરો નહીં, પરંતુ જમીન પર દેખાતી સ્વચ્છતા અને લાખો રૂપિયાના ખર્ચનો પારદર્શક હિસાબ માગી રહી છે!

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!