Skip to main content

Geo Gujarat News

આમોદમાં સ્વચ્છતાના ધજાગરા: કરોડોની ગ્રાન્ટ છતાં સમાં હોટલથી કોર્ટ રોડ પર કચરાના સામ્રાજ્યથી નાગરિકો ત્રસ્ત

ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં તંત્રની ઘોર બેદરકારી અને અનિયમિત વહીવટના કારણે સ્વચ્છતા અભિયાનના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. સરકાર દ્વારા નગરપાલિકાને શહેરની સફાઈ અને કચરાના વ્યવસ્થિત નિકાલ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં સમાં હોટલથી કોર્ટ તરફ જતા વ્યસ્ત જાહેર માર્ગ પર અને માંડવા વસાહત જેવા વિસ્તારની આસપાસ ખુલ્લેઆમ કચરાના મોટા ઢગલા ઠાલવવામાં આવી રહ્યા છે.સ્થાનિક આગેવાનો અને રહીશોના જણાવ્યા મુજબ, નગરપાલિકા દ્વારા કાંકરિયા રોડ પર સત્તાવાર ડમ્પિંગ સાઇટ ફાળવવામાં આવી હોવા છતાં, સત્તાધીશો અને સફાઈ કર્મચારીઓ તે ડમ્પિંગ સાઇટનો ઉપયોગ કરવાને બદલે જાહેર રસ્તા પર જ કચરો ફેંકી રહ્યા છે, જેના કારણે ડોર-ટુ-ડોર કલેક્શનની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.

આ ખુલ્લામાં સડતા કચરા અને ગંદકીના કારણે ફેલાતી અસહ્ય દુર્ગંધથી સ્થાનિક રહીશો તથા રાહદારીઓનું જીવન દોહ્યલું બન્યું છે. સ્થિતિ એટલી દયનીય છે કે કોર્ટ અને રહેણાંક વિસ્તારની આસપાસ થોડીવાર ઊભું રહેવું પણ મુશ્કેલ છે, અને સાંજે કે રાત્રિના સમયે વોકિંગ કરવું તો દૂરની વાત છે. આ ગંદકી અને બેફામ વધેલા મચ્છરોના ઉપદ્રવના લીધે માંડવા વસાહતના હજારો લોકોમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી ગંભીર મચ્છરજન્ય બીમારીઓ ફેલાવાનો ભય તોળાઈ રહ્યો છે.આ સમગ્ર મામલે તંત્રની કાર્યશૈલી સામે અનેક વ્યાજબી સવાલો ઉઠી રહ્યા છે કે જો કાંકરિયા રોડ પર સત્તાવાર ડમ્પિંગ સાઇટ ઉપલબ્ધ છે, તો કચરાની ગાડીઓ ત્યાં સુધી કેમ નથી જતી? શું કોઈ આર્થિક ગેરરીતિનો ખેલ ચાલી રહ્યો છે? સ્વચ્છતાના નામે આવતી કરોડોની ગ્રાન્ટ જો રસ્તા પર કચરાના ઢગલા જ ખડકતી હોય, તો તે નાણાં વપરાય છે ક્યાં અને દેખરેખ રાખતા અધિકારીઓ આંખ આડા કાન કેમ કરી રહ્યા છે?

સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે જો આ ગંદકીના કારણે માંડવા વસાહતમાં કોઈ ગંભીર રોગચાળો ફાટી નીકળશે, તો તેની નૈતિક અને કાયદેસરની જવાબદારી કોણ લેશે? નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કચેરીમાંથી બહાર આવી સ્થળ તપાસ કરે, જાહેર માર્ગ પર કચરો નાખવાની પ્રવૃત્તિ તાત્કાલિક ધોરણે બંધ કરાવે, સમગ્ર વિસ્તારની સફાઈ કરાવી દવાનો છંટકાવ કરે અને કચરો નિયમિતપણે ડમ્પિંગ સ્ટેશને પહોંચાડવાની કાયમી વ્યવસ્થા ગોઠવે. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકા વિરુદ્ધ ઉગ્ર આંદોલન અને કાયદેસરની રજૂઆતો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!