ભરૂચની GNFC ટાઉનશીપમાં દીપડાની હાજરી સામે આવતાં રહીશોમાં ફફડાટ ફેલાયો છે. ટાઉનશીપની સ્ટ્રીટ નંબર 24, 9 અને 14 નજીક તેમજ આસપાસની ઝાડીઓમાં દીપડો જોવા મળ્યો હોવાની જાણ થતાં GNFC સિક્યુરિટી વિભાગ અને વન વિભાગ દ્વારા તેને સુરક્ષિત રીતે પકડવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દીપડાને પકડવા માટે હાલ ટાઉનશીપમાં બે પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે. નોંધનીય છે કે આ અગાઉ ભરૂચના ભોલાવ વિસ્તારમાં પણ દીપડો દેખાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે વહેલી સવારે GNFC ટાઉનશીપના સિક્યુરિટી ગાર્ડની નજર ઝાડીઓમાં છુપાયેલા દીપડા પર પડતાં તાત્કાલિક સિક્યુરિટી વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સિક્યુરિટી ટીમે સાવચેતીના ભાગરૂપે સંબંધિત વિસ્તારોમાં ઘેરાબંધી કરી વન વિભાગને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને RFO દિવ્યા ચૌધરી સહિત વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સિક્યુરિટી વિભાગ સાથે સંકલન કરીને દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી હતી. GNFC સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના એડિશનલ મેનેજર જયેશ ચાકોના જણાવ્યા મુજબ, સિક્યુરિટી અને વન વિભાગની ટીમે સમગ્ર રાત દરમિયાન સંયુક્ત પેટ્રોલિંગ કર્યું હતું. દીપડો બહાર નીકળે તેવી શક્યતા ધરાવતા વિસ્તારોમાં આગનો ઘેરાવ કરીને તેને નિયંત્રિત કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, લાંબી શોધખોળ અને પ્રયાસો છતાં દીપડો હજુ સુધી પકડાયો નથી.
બીજી તરફ, આજે સવારથી ગોલ્ફ ગ્રાઉન્ડ સહિત ટાઉનશીપના વિવિધ વિસ્તારોમાં ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દીપડાની હિલચાલને ધ્યાનમાં રાખીને વધુ પાંજરાં ગોઠવવાની પણ તૈયારી ચાલી રહી છે. વન વિભાગ અને સિક્યુરિટી ટીમ દ્વારા દીપડાના સંભવિત ઠેકાણાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટાઉનશીપમાં રહેતા કર્મચારીઓ અને તેમના પરિવારજનોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આજે સાંજે SNR ક્લબ ખાતે ખાસ અવેરનેસ અને ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.
GNFCના MD તથા એડિશનલ જનરલ મેનેજર પી.જે. કાપડિયાના માર્ગદર્શન હેઠળ RFO દિવ્યા ચૌધરી દ્વારા રહીશોને દીપડાની હાજરી દરમિયાન રાખવાની સાવચેતી, સુરક્ષાનાં પગલાં અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. હાલ GNFC ટાઉનશીપમાં દીપડાની હાજરીને પગલે સાવચેતીનો માહોલ છે. દીપડો પાંજરે પુરાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગ તથા GNFC સિક્યુરિટી વિભાગની ટીમ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દીપડો સુરક્ષિત રીતે પકડાય ત્યાં સુધી સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com