Skip to main content

Geo Gujarat News

જંબુસર: કરમાડમાં રસ્તા પરના દબાણોનો મુદ્દો ગરમાયો, વણકર-રોહિત સમાજમાં ભારે આક્રોશ, તંત્રની કામગીરી સામે સવાલો!

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કરમાડ ગામે જાહેર રસ્તા પર થયેલા દબાણોનો મુદ્દો હવે ઉગ્ર બન્યો છે. રસ્તાની બંને બાજુ શેડ, છાપરાં અને વાહનોનું પાર્કિંગ કરીને જાહેર માર્ગ પર અડચણ ઊભી કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે વણકર અને રોહિત સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વર્ષોથી ચાલતી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ સાથે સમાજના આગેવાનોએ હવે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી જવાબદાર તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે.જાહેર રસ્તા પર દબાણોનું સામ્રાજ્ય, સામાન્ય નાગરિકો પરેશાન!સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર, રસ્તાની બંને બાજુ ઊભા કરવામાં આવેલા શેડ, છાપરાં અને આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોના કારણે જાહેર માર્ગ પર અવરજવર કરવી મુશ્કેલ બની છે. રસ્તો જાણે ખાનગી મિલકત હોય તેમ દબાણો કરવામાં આવતા હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક લોકોને રોજિંદી અવરજવરમાં હાલાકી ભોગવવી પડી રહી છે. ધાર્મિક અને સામાજિક પ્રસંગો દરમિયાન પણ આ મુદ્દે વારંવાર વિવાદ અને બોલાચાલીની સ્થિતિ સર્જાતી હોવાનો આક્ષેપ છે. આ સમસ્યા કોઈ એક દિવસની નથી. મામલતદાર, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, તેવો ગંભીર આક્ષેપ સમાજના આગેવાનોએ કર્યો છે. સવાલ એ છે કે જાહેર રસ્તા પર દબાણો હોવાની વારંવાર રજૂઆત થતી હોય તો જવાબદાર તંત્ર દ્વારા સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? શું સામાન્ય નાગરિકોને રસ્તા પર અવરજવર કરવાનો અધિકાર મેળવવા માટે પણ વારંવાર કચેરીઓના ધક્કા ખાવા પડશે? રજૂઆતોનો ઢગલો થવા છતાં જો સમસ્યાનો ઉકેલ ન આવે તો આવી ફરિયાદોનો અર્થ જ શું રહે?હવે માત્ર આશ્વાસન નહીં, સ્થળ પર કાર્યવાહી જોઈએ! આખરે વણકર અને રોહિત સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરમાડ ગામના જાહેર રસ્તા પર થયેલા તમામ દબાણોની નિષ્પક્ષ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા અને દબાણો દૂર કરી અવરજવરનો માર્ગ ખુલ્લો કરાવવાની માંગ કરી છે. સાથે જ સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી ન્યાય નહીં આપવામાં આવે તો તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે ધરણાં અને ઉપવાસ આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે કે પછી આ આવેદનપત્ર પણ અન્ય રજૂઆતોની જેમ સરકારી ફાઈલોમાં જ દબાઈને રહી જશે? સ્થાનિકોને ન્યાય મળે અને જાહેર રસ્તો દબાણમુક્ત બને તે માટે હવે તંત્રએ માત્ર કાગળ પર નહીં, પરંતુ જમીન પર કામગીરી કરીને જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!