વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ, નર્મદા કિનારે ભક્તિનો માહોલ:ભરૂચ તાલુકાના નર્મદા નદીના પવિત્ર તટે આવેલા પૌરાણિક તીર્થધામ શુક્લતીર્થ ખાતે યોજાયેલા પરંપરાગત પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આ વર્ષે શ્રદ્ધા, ભક્તિ અને લોકઉત્સાહનો અદભુત નજારો જોવા મળ્યો હતો. દેવઉઠી અગિયારસથી શરૂ થયેલા આ ભાતીગળ લોકમેળાના દેવદિવાળીના મુખ્ય દિવસે એટલે કે 24 નવેમ્બર 2026ના રોજ માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. અંદાજે 80 હજારથી વધુ ભાવિકો અને સહેલાણીઓએ એક જ દિવસમાં મેળાની મુલાકાત લઈને નર્મદા સ્નાન અને શુક્લેશ્વર મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. દેવદિવાળીના પાવન પર્વે વહેલી સવારથી જ ભરૂચ શહેર તેમજ આસપાસનાં ગામડાંઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શુક્લતીર્થ પહોંચવા લાગ્યા હતા. પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરી શુક્લેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન સતત વધતી જતી ભીડને પગલે સમગ્ર શુક્લતીર્થ તીર્થયાત્રીઓથી ઉભરાઈ ગયું હતું. મેળામાં આવતા શ્રદ્ધાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે ભરૂચ એસટી ડેપો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારથી મોડી રાત સુધી અંદાજે 208 બસ ટ્રિપો દોડાવવામાં આવી હતી. જેના માધ્યમથી હજારો મુસાફરોને મેળાના સ્થળે પહોંચાડવાની અને પરત લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી
600થી વધુ દુકાનોમાં ખરીદીની રોનક, ચકડોળ સહિતની રાઇડ્સ બની આકર્ષણનું કેન્દ્ર: શુક્લતીર્થના મેળામાં માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ મનોરંજન અને ખરીદીનો પણ જોરદાર માહોલ જોવા મળ્યો હતો. મેળામાં 600થી વધુ વિવિધ ચીજવસ્તુઓ તેમજ ખાણીપીણીની દુકાનો ઉભી કરવામાં આવી હતી. જ્યાં લોકોએ પરિવાર સાથે મન મૂકીને ખરીદી કરી હતી. બીજી તરફ ચકડોળ સહિતની વિવિધ મનોરંજક રાઇડ્સમાં બાળકો અને યુવાનોએ ભારે આનંદ માણ્યો હતો. મેળાની રોનક રાત્રિના સમયે વધુ ખીલી ઊઠી હતી. દિવસભરની ભીડ બાદ પણ લોકોનો ઉત્સાહ ઓછો થયો નહોતો. સહેલાણીઓની સતત અવરજવર અને ખરીદીના માહોલ વચ્ચે મેળો વહેલી સવારે ચાર વાગ્યા સુધી ધમધમતો રહ્યો હતો. આ દૃશ્ય શુક્લતીર્થના લોકમેળાની લોકપ્રિયતા અને લોકોની અતૂટ શ્રદ્ધાની સાબિતી બની રહ્યું હતું. ભરૂચથી આશરે 15 કિલોમીટરના અંતરે નર્મદા નદીના કિનારે વસેલું શુક્લતીર્થ પ્રાચીન સમયથી ધાર્મિક મહત્ત્વ ધરાવતું પવિત્ર સ્થળ છે. લોકવાયકા મુજબ આ ભૂમિ ઋષિમુનિઓની તપોભૂમિ રહી છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે અહીં નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી દર વર્ષે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. પાંચ દિવસીય મેળાનું આયોજન શુક્લતીર્થ ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી કરવામાં આવે છે. મેળામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી અને આરોગ્યની ટીમો સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. આમ, દેવદિવાળીના પવિત્ર અવસરે શુક્લતીર્થનો મેળો માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ ભરૂચ જિલ્લાની સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનની જીવંત ઝલક બની રહ્યો હતો. 80 જારથી વધુ લોકોની હાજરીએ આ વર્ષે પણ શુક્લતીર્થના મેળાની ભવ્યતા અને લોકપ્રિયતાને નવી ઊંચાઈ આપી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com