નંદાવ નજીક માટી ખોદકામ સામે ગંભીર આક્ષેપો, ઓવરલોડ ડમ્પરોથી રસ્તાઓની પથારી ફરી વળતી હોવાનો આક્ષેપ:અંકલેશ્વર તાલુકાના ભરણ ગામમાં માટી ભરેલા ઓવરલોડ ડમ્પરોની બેફામ અવરજવર સામે ગ્રામજનોનો આક્રોશ હવે રસ્તા પર જોવા મળ્યો છે. ગામના ખેતીના રસ્તાઓ પરથી પસાર થતા ભારે ડમ્પરોની અવરજવર બંધ કરવાની ઉગ્ર માંગ સાથે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન છેડ્યું હતું. આ આંદોલનમાં મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, નંદાવ ગામ નજીક મોટા પાયે માટી ખોદકામ ચાલી રહ્યું છે. અગાઉ તળાવમાં ખોદકામ કરવામાં આવ્યું હતું અને હવે ખાનગી ખેતીની જમીનમાં પણ માટી ખોદવામાં આવતી હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે.
આ ખોદકામ કયા નિયમો અને મંજૂરી હેઠળ થઈ રહ્યું છે, તે અંગે પણ ગ્રામજનોમાં સવાલો ઉઠી રહ્યા છે. માટીથી ખીચોખીચ ભરેલા ભારે ડમ્પરો ખેતીના રસ્તાઓ પરથી સતત પસાર થતા હોવાના કારણે રસ્તાઓની હાલત કથળતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ખેતીના કામકાજ માટે ઉપયોગમાં લેવાતા રસ્તાઓ પર ભારે વાહનોની અવરજવરથી રસ્તાઓ તૂટી રહ્યા છે અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સવાલ એ છે કે ગામના રસ્તાઓને નુકસાન પહોંચાડીને કોના હિત માટે આ વાહનવ્યવહાર ચલાવવામાં આવી રહ્યો છે?
રજૂઆતો છતાં કાર્યવાહી નહીં? આખરે ગ્રામજનોને રસ્તા પર ઉતરવાની ફરજ! ગ્રામજનોનો દાવો છે કે આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની કથિત નિષ્ક્રિયતાથી કંટાળીને આખરે મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા રોકો આંદોલન દ્વારા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હવે સૌથી મોટો સવાલ એ છે કે ખેતીના રસ્તાઓ પરથી ઓવરલોડ ડમ્પરોની અવરજવર કોણની મંજૂરીથી ચાલી રહી છે? નંદાવ નજીક માટી ખોદકામની નિયમસર મંજૂરી છે કે નહીં? જો નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તો જવાબદાર સામે કાર્યવાહી કોણ કરશે? ગ્રામજનોની માંગ છે કે ખેતીના રસ્તાઓ પરથી ભારે ડમ્પરોની અવરજવર તાત્કાલિક બંધ કરવામાં આવે અને માટી ખોદકામની સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોના આક્રોશ બાદ જવાબદાર તંત્ર જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટના કે વિવાદ સર્જાય તેની રાહ જોવામાં આવશે!
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com