Skip to main content

Geo Gujarat News

ભરૂચ જિલ્લામાં SSR-2027 મતદારયાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ, 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર સુધી નામ ઉમેરવા, કમી કરવા અને સુધારા માટે અરજીઓ સ્વીકારાશે

ભરૂચ જિલ્લામાં આગામી 1 જાન્યુઆરી, 2027ની લાયકાત તારીખને ધ્યાને રાખીને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પાંચેય વિધાનસભા મતવિસ્તારોની મુસદ્દા મતદારયાદી જાહેર કરવામાં આવી છે. નવા મતદારોને નામ નોંધાવવા તેમજ હાલની મતદારયાદીમાં નામ, સરનામું અને અન્ય વિગતોમાં જરૂરી સુધારા કરાવવા માટે ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તારોની મુસદ્દા મતદારયાદી જાહેર કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મુસદ્દા મતદારયાદીની હાર્ડકોપી તેમજ ફોટા વિનાની સોફ્ટકોપી પણ સોંપવામાં આવી હતી. ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદીમાં નામ ઉમેરવા, નામ કમી કરવા, વ્યક્તિગત વિગતોમાં સુધારો કરવા તેમજ સ્થળાંતર સંબંધિત અરજીઓ માટે 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે ફોર્મ-6, વિદેશી ભારતીય મતદારોની નોંધણી માટે ફોર્મ-6A, મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ-7 તથા નામ, સરનામું કે અન્ય વિગતોમાં સુધારા અને સ્થળાંતર માટે ફોર્મ-8 ભરવાનું રહેશે. ખાસ કરીને 1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા યુવા નાગરિકો માટે મતદાર બનવાની આ મહત્વપૂર્ણ તક છે. લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવવા યુવાનો સમયસર પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણેએ નાગરિકોને મુસદ્દા મતદારયાદીમાં પોતાનું નામ અને અન્ય વિગતોની ચકાસણી કરી લેવા તથા કોઈ ક્ષતિ જણાય તો નિયત સમયમર્યાદામાં જરૂરી સુધારા કરાવવા અનુરોધ કર્યો હતો. સાથે જ મતદારયાદી વધુ શુદ્ધ, પારદર્શક અને ક્ષતિરહિત બને તે માટે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનો સહયોગ પણ માગ્યો હતો. લોકશાહીમાં મતદાનનો અધિકાર અત્યંત મહત્ત્વનો છે ત્યારે કોઈપણ પાત્ર નાગરિક મતદારયાદીમાં નામ નોંધાવવાથી વંચિત ન રહે અને દરેક મતદારની વિગતો ચોકસાઈપૂર્વક નોંધાય તે SSR-2027 કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!