ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસની કાર્યવાહી વચ્ચે અંકલેશ્વરમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વરના અમરતપુરા વિસ્તારમાં આવેલી હોટલ બેન્સનના કમ્પાઉન્ડમાં દરોડો પાડી દુકાન નંબર-5 પાસેથી પોષડોડા અને અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી નશાના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, ભરૂચ SOGને અંકલેશ્વર વિસ્તારમાં નશાકારક પદાર્થોના ગેરકાયદે સંગ્રહ અને વેચાણ અંગે બાતમી મળી હતી.
જેના આધારે ટીમે અમરતપુરા સ્થિત હોટલ બેન્સનના કમ્પાઉન્ડમાં આવેલી દુકાન નંબર-5 પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી પોષડોડા અને અફીણનો જથ્થો મળી આવતા પોલીસ પણ હરકતમાં આવી હતી. SOGએ આ મામલે રાજસ્થાનના બાલોતરા જિલ્લાના વતની અને હાલ અંકલેશ્વરના નૌગામા ગામની સાઈધામ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય ભૈરારામ ચૌધરીને ઝડપી પાડ્યો છે. જ્યારે આ સમગ્ર પ્રકરણમાં બાલોતરા શહેરના મુલારામ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આર્થિક લાભ માટે નશાનો વેપાર કરવાનો ઇરાદો! પોલીસ ફરિયાદ મુજબ, આરોપી આર્થિક લાભ મેળવવાના હેતુથી અન્ય લોકોને વેચાણ કરવાના ઇરાદે નશાકારક પદાર્થોનો જથ્થો પોતાની પાસે રાખતો હતો. પોલીસે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે પોલીસ તપાસમાં આ નશાકારક પદાર્થોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને વેચવાનો હતો અને આ ગેરકાયદે નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ તેજ બને તેવી શક્યતા છે.
ફરાર મુલારામને ઝડપી પાડવા પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં નશાના ગેરકાયદે કારોબાર સામે SOGની આ કાર્યવાહી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ નશાના વેપાર પાછળનું નેટવર્ક કેટલું મોટું છે અને તેની પાછળ અન્ય કયા ચહેરાઓ છુપાયેલા છે?
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com