Geo Gujarat News

વાગરા:- ભેરસમ ગામના ખેતરો થયા તબાહ, ખેડૂતોને માથે હાથ દેવાનો વારો, ઉદ્યોગકારોએ વરસાદી કાંસો પુરી દેતા ખેડૂતો થયા પાયમાલ.?

વાગરા તાલુકામાં સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીઓના કારણે વરસાદી પાણીનાં નિકાલની સમસ્યા ઉત્પન્ન થતાં ભેરસમ ગામની સીમમાં આવેલ અંદાજીત 200 એકરથી વધુ જમીનના પાક નેસ્તનાબૂદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. માત્ર ભેરસમ નહીં આસપાસનાના દરેક ગામોના તળાવમાં ફેરવાઈ ગયા છે. જ્યા જુઓ ત્યાં પાણીજ પાણી નજરે પડી રહ્યું છે. સાયખાથી ભેરસમ જતા માર્ગ પરથી ઘૂંટણ સમાં પાણી વહી રહ્યું છે. તો કેટલાક ખેતરોમાં અને જીઆઇડીસી ના કેટલાક ખુલ્લા પ્લોટોમાં ભરાયેલ પાણીમાં લોકો મચ્છીમારી પણ કરી રહ્યા છે. મેઘરાજાના આકરા મિજાજે ચોમેર જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું છે.

200 એકરથી વધુ જમીનનો પાક નેસ્તનાબૂદ થયો.!

વાગરા તાલુકામાં એક બાદ એક 3 ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે. નાના મોટા સેંકડો ઉદ્યોગો આ વસાહતોમાં સ્થપાયા છે. જોકે આ વિકાસથી સ્થાનિકો માટે રોજગારીના અવસરો પણ ઊભા થયા છે, પરંતુ સાથેજ બીજી તરફ આજ ઔદ્યોગિક વસાહતોમાં બિન આયોજિત કંપનીઓના નિર્માણથી ખેડૂતોની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. ગતરોજ અણધાર્યા વરસાદના પ્રવાહથી વાગરા પંથકની સાથે વિલાયત અને સાયખા જીઆઈડીસીની આસપાસના ખેતરોમાં પણ પાણીના સમંદર સર્જાયા છે. જેમાં કેટલાક લોકો ઘરમાંજ પુરાય રહેવા સાથે અનેક પરિવાર ઘર છોડવા પર મજબુર બન્યા હોવાની નોબત આવી હતી.

વાગરા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે. ભેરસમ ગામની સીમમાં 200 એકરથી વધુ જમીન ધરાવતા આ સ્થાનિકોના ખેતરોમાં ઊભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. એક તરફ કૂદરતે સર્જેલ તારાજી છે. તો બીજી તરફ માનવસર્જિત આફત બંને સામે સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનો લાચાર બન્યા છે. વર્ષોથી ભેરસમની સીમમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મસમોટી વરસાદી કાંસ સાયખા ગામના સીમ વિસ્તારમાંથી નીકળતી હતી. પરંતુ વિકાસના નામે આ જગ્યાએ જીઆઈડીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને પ્લોટોની ફાળવણી ઉદ્યોગકારોને કરવામાં આવી. આ પ્લોટો ઉપર ઉદ્યોગકારો દ્વારા કંપનીઓ તેમજ ફેકટરીઓનું નિર્માણ કરવામાં આવ્યું. જેથી આ વરસાદી કાંસનું પુરાણ થઈ જતાં પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઉદભવી છે.

સાયખા જીઆઈડીસીનાં બિનઆયોજિત નિર્માણથી પાણીના નિકાલની સમસ્યા.?

ખેડૂતોએ નુકસાનીના વળતરની માંગ કરી

વરસાદી કાંસના માર્ગને માટીથી પુરાણ કરી ઉદ્યોગો સ્થાપિત કરી દેવાયા છે. જ્યાં પાણીના નિકાલ માટે આંતર કેનાલ બનાવવાની તાતી જરૂરિયાત હતી, ત્યાં કંપની ધારકોએ એન્ટ્રીગેટ અને માર્ગ બનાવવા માટી પુરાણ કરી વરસાદી પાણીના નિકાલને અટકાવી દીધું છે. તદુપરાંત કેટલાક બેફામ ઉદ્યોગકારોએ વરસાદી પાણીની ઓઠમાં કેમિકલ છોડ્યું હોવાથી કેમિકલયુક્ત પાણીના પણ તળાવો નજરે પડી રહ્યા છે. જેના કારણે આજરોજ ભેરસમ ગામના ખેડૂતોએ એકત્ર થઈ જીઆઈડીસી તેમજ કંપની ધારકો વિરૂદ્ધ અવાજ ઉઠાવી પોતાને થયેલ ખેત નુકસાનીના વળતરની માંગણી સાથે આ સમસ્યાનું કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

ધારાસભ્યએ સમસ્યાનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું 

અસરગ્રસ્ત ખેડૂતોએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું. કે અમારો મહામૂલી પાક નષ્ટનાબૂદ થયો છે. જેનો જવાબદાર નજીકમાં આવેલી 3 કંપનીઓને ઠેરવી હતી. ખેડૂતોની માંગ છે, કે કુદરતી આપત્તિથી થયેલ નુકશાનીનું વળતર સરકાર તો આપસેજ, પરંતુ સાથેજ આ માનવસર્જિત આફત હોવાનું રટણ કરી જવાદબાર કંપનીઓ પાસેથી પણ વળતરની આશા વ્યક્ત કરી હતી, વધુમાં ખેડૂતોએ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રણાને પણ સમસ્યા અંગે ટેલિફોનિક જાણ કરી મદદની ગુહાર લગાવી હતી. ધારાસભ્યએ સમસ્યાનું નિરાકરણ લાવી આપવાનું આશ્વાસન આપતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

વાગરા મામલતદારે સ્થળ તપાસ કરી 

ગતરોજ ખેડૂતોએ આ અંગે વાગરા મામલતદારને ટેલિફોનિક જાણ કરતા તેઓ દ્વારા સ્થળ તપાસ કરી હતી. અને જરૂરત જણાતા કંપની સંચાલકોને આગળના ભાગે પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. જેથી તાકીદે કંપની સંચાલકોએ 6 જેટલા જેસીબી મશીન કામે લગાડી પાણીના નિકાલ માટેની કાર્યવાહી આરંભી હતી. આ સમયે એક કંપનીના સિક્યુરિટીએ કંપનીના ગેટ સામે થતી કામગીરી અટકાવતા વિવાદ સર્જાયો હતો. ખેડૂતો તેમજ સિક્યુરિટી વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું.

આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનના એંધાણ.?

જોકે ઉપસ્થિત ખેડૂતોનો મિજાજ જોતા અંતે સિક્યુરિટીએ ચાલતી પકડી લેતા મામલો શાંત પડ્યો હતો. જોકે આ કામગીરીથી પણ સમસ્યાનું સમાધાન નહીં આવે તેવો અંદાજ લગાવી ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવાની પણ તૈયારી બતાવી હતી. જવાબદાર કંપનીઓ સામે ઉગ્ર રોષ ઠાલવતા ખેડૂતોએ જણાવ્યું હતું, કે જો તાકીદે આ સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં નહીં આવે તો જિલ્લા ખેડૂત સંઘ સહિત ધારાસભ્યની આગેવાનીમાં તંત્રને આવેદન આપી કંપની સામે ધામા નાખવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *