ભરૂચના તવરા રોડ ઉપર ઉપર દરરોજ ટ્રાફિકજામ સર્જાતા સ્થાનિક લોકો સહિત વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી ચાલી રહેલા બિલ્ડરોના બાંધકામના મટીરીયલ લઈને આવતા વાહનોની સંખ્યામાં પણ દિવસેદિવસે વધારો થઇ રહ્યો છે. વળી રોડ નજીક આડેધડ પાર્ક કરાતા મોટા વાહનો પણ ટ્રાફિક જામની સમસ્યા માટે જવાબદાર ગણાય છે. મળતી વિગતો મુજબ આજે સવારે ૧૦ વાગ્યાના સમયે એક ટાઇલ્સ ભરેલી ગાડી આવતા અચાનક ગાડી રોડ ઉપર બંધ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામમાં લોકો તેમજ વાહનચાલકો ચારથી પાંચ કલાક સુધી અટવાતા ભારે હાલાકિ સર્જાઇ હતી.
રોડ નજીક આડેધડ પાર્ક કરાતા મોટા વાહનોને લઇને સમસ્યા સર્જાતી હોવાની બુમ

ઉપરાંત રોજબરોજના આ ટ્રાફિકજામમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ અટવાતા તેમણે પગે ચાલીને કોલેજે પહોંચવું પડતું હોય છે. આ રોડ નેશનલ હાઇવે સાથે જોડાતો હોઇ હાઇવેના ઓવરબ્રીજ નીચેના સર્વીસ રોડ પર પણ આ ટ્રાફિકની સમસ્યાને લઇને અફડાતફડીના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેને લઇને હાઇવે નજીક પણ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.જ્યારે વધુમાં જાણવા મળ્યા મુજબ આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા એમ્બ્યુલન્સને પોલીસ અને સ્થાનિક લોકોએ જહેમત ઉઠાવીને ટ્રાફિકમાંથી બહાર કાઢી હતી.

ત્યારે રોજબરોજની આ ટ્રાફિક સમસ્યાને લઇને ભારે તકલીફ ભોગવતા સ્થાનિકો તેમજ અન્ય વાહનચાલકોના વિશાળ હિતમાં તાકીદે ટ્રાફિક સમસ્યા હલ થાય અને કાયમી ધોરણે લોકોનો તકલીફમાંથી છુટકારો થાય તે માટે અસરકારક પગલા ભરાય તેમજ જ્યાંત્યાં આડેધડ પાર્ક કરાતા વાહનો નિયમ મુજબ પાર્ક કરાય તે જરૂરી બન્યું છે.આ રોડ આસપાસ ચાલી રહેલા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના કામોને લગતા વાહનો પણ નિયમો જાળવે તે પણ જરૂરી ગણાય છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com