Geo Gujarat News

વાગરા: પણિયાદરા ગામે માટી ખનનના મુદ્દે વિવાદ ઉભો થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પણિયાદરા રોડ પર ગોલાદરા ચોકડીથી અંદર કથિત ગેરકાયદેસર માટી ખોદકામ ચાલતું હોઇ ગત તા.૧૦ મી જુનના રોજ વાગરા મામલતદારની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી,તે દરમિયાન સ્થળ ઉપર ગેરકાયદેસર માટી ખોદકામ ચાલતું હોવાનું જણાયું હતું. મામલતદાર વાગરા દ્વારા સ્થળ ઉપરથી એક હિટાચી મશીન બિનવારસી હાલતમાં મળી આવતા આ મશીનથી ખોદકામ થયું હોવાની શંકા સાથે સદર મશીનને દહેજ પોલીસ મથક ખાતે જમા કરાવ્યું હતું. ત્યારબાદ વાગરા મામલતદાર દ્વારા આ સ્થળે કરાયેલ માટી ખોદકામ અને મળી આવેલ મશીન સંદર્ભે કાયદેસર કાર્યવાહી કરવા તપાસનો અહેવાલ ભરૂચ ભુસ્તર વિભાગના અધિકારીને મોકલી આપ્યો હતો. ત્યારબાદ ભરૂચ ક્ષેત્રિય ભુસ્તર વિભાગની ટીમ દ્વારા ગત તા.૨૧ મી જુનના રોજ પણિયાદરાના તલાટી તથા વાગરા સર્કલ અધિકારીની હાજરીમાં સદર સ્થળ ઉપર કરવામાં આવેલ સાદી માટીના ખોદકામ બાબતે સરકારી નિયમ મુજબ ખોદકામ થયેલ જગ્યાની માપણી કરવામાં આવી હતી. અને તપાસ દરમિયાન તપાસ ટીમને જાણવા મળેલ કે આ ખોદકામ સ્થળેથી મળી આવેલ મશીન વાગરા તાલુકાના કડોદરાના રમેશભાઇ મંગળભાઇ ગોહિલની માલિકીનું છે. તેથી હિટાચી મશીન દ્વારા કથિત માટી ખોદકામ કરાયું હોવાની શંકાથી ખોદકામ દરમિયાન કુલ ૧૧૫૨૫ મે.ટન જેટલી સાદી માટીનું ખોદકામ થયેલ હોઇ સરકારી નિયમ મુજબ પ્રતિ મે.ટનના રૂપિયા ૧૭૫ લેખે તેમજ બિનઅધિકૃત ખનન કરતી મશીનરીની કમ્પાઉન્ડ રકમ તથા પર્યાવરણીય નુકશાનના વળતર પેઠે કુલ મળીને રૂપિયા ૩૦૪૩૮૭૧ દંડ તરીકે ભરવા હિટાચી મશીનના માલિક રમેશભાઈ ગોહિલને નોટિસ મોકલી હતી.

વાગરા મામલતદારની તપાસ દરમિયાન સ્થળ ઉપરથી મળેલ મશીનના માલિકને ભુસ્તર વિભાગે દંડ કરતા મશીન માલિકે માટી ખનનમાં પોતે જવાબદાર નહિ હોવાનું જણાવી દંડ ભરવાનો ઇન્કાર કર્યો હતો…

પરંતું રમેશભાઇ ગોહિલે ભુસ્તર વિભાગ દ્વારા અપાયેલ નોટિસના જવાબમાં જણાવેલ કે આ મશીન તેમણે બી.એસ.સોલ્ટના કોન્ટ્રાક્ટર જે.ટી.એન્ટરપ્રાઇઝમાં સિવિલ કામ માટે ભાડે આપેલ હતું,અને કાર્યવાહી દરમિયાન મશીન દ્વારા કોઇપણ પ્રકારની કામગીરી ચાલુ નહતી તેમજ મશીન બંધ હાલતમાં પાર્ક કરાયેલું હતું. અને મશીનના ઉપયોગથી સાદી માટીનું બિન અધિકૃત ખોદકામ થયું નહતું. જેથી અમારૂ મશીન ખોટી રીતે સીઝ કરીને પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયું હોઇ અમારે કોઇ દંડની રકમ ભરવાની થતી નથી. આ સંદર્ભે ભરૂચ ભુસ્તર વિભાગ દ્વારા સદર મશીનના માલિક રમેશભાઇ મંગળભાઇ ગોહિલ તેમજ માટી ખોદકામમાં કોણ સંડોવાયેલ હતું તે બાબતોની તપાસ કરવા દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નંધાવવામાં આવી હતી. વાગરા તાલુકાના આ કથિત ગેરકાયદેસર માટી ખોદકામનો મુદ્દો પોલીસ સુધી પહોંચતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *