વિધવા મહિલાને માર મારવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો..
સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના પીપલીયા ગામે અરુણાબેન કાન્તિભાઇ પરમાર નામની વિધવા મહિલા નાનકડી કેબિનમાં પાન-મસાલાનું વેચાણ કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગતરોજ રાત્રીના દસેક વાગ્યાની આસપાસ પોતાનું કેબિન બંધ કરી ઘર તરફ જઈ રહ્યાં હતા. ત્યારે તેમના ફળીયામાં રહેતા લક્ષ્મણભાઈ રાઠોડનાઓની ગાયો-ભેંસો રસ્તામાં ચાલતી વખતે અડચણરૂપ થાય તે રીતે બેસેલી હોવાથી તેમને આ બાબતે લક્ષ્મણભાઇને કહેવા જતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાને ગમે-તેમ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. અને તેમના હાથમાં રહેલ લાકડાના દંડા વડે અરુણાબેનને પીઠના ભાગે બે-ત્રણ સપાટા મારી દીધેલ હતા. જેથી અરુણાબેને પોતાના સ્વ-બચાવ માટે બૂમા-બૂમ કરતાં નજીકમાં રહેતા જગદીશભાઈ રાઠોડ તથા જાવિદભાઇનાઓએ તુરંત આવી જઈ મહિલાને વધુ પડતાં મારમાંથી બચાવી હતી. આ સમય દરમિયાન ફળિયાના લોકો ભેગા થઈ જતાં લક્ષ્મણભાઈએ મહિલાને ” આજ પછી જો મારા ઢોર બાબતે કશું કીધું છે તો તને જાનથી મારી નાંખીશ” તેવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

મહિલાને વધુ સારવાર અર્થે સિવિલમાં રિફર કરવામાં આવી..
આ સમય દરમિયાન મહિલાની દીકરી અને દિયર આવી જતા મહિલાને પીઠના ભાગે માર વાગેલ હોવાથી તેઓને અસહ્ય દુ:ખાવો થતો હોવાને કારણે મહિલાને ખાનગી વાહનમાં વાગરાના સરકારી દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. અને ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

આ બનાવ અંગે મહિલાએ આરોપી લક્ષ્મણભાઈ રાઠોડ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com