અકસ્માતની મળતી વિગતો મુજબ મુળ રાજસ્થાનના વતની અને હાલ ઝઘડિયાના ગુમાનપુરા ગામે રહેતા ૫૫ વર્ષીય શંકરભાઈ બજરંગભાઇ વસાવા ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાંથી સિક્યુરિટીની નોકરી માંથી નિવૃત્ત થયેલ છે,અને હાલ લગભગ ત્રીસેક વર્ષથી તેમની બીજીવારની પત્ની સાથે ગુમાનપુરા ગામે રહીને ખેતી કરે છે. શંકરભાઈ તા.૧૬ મીના રોજ તેમની એક્ટિવા મોપેડ લઇને અંકલેશ્વર ખાતે ખરીદી કરવા ગયા હતા,તેઓ ખરીદી કરીને બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પાછા ફરતા હતા તે દરમિયાન કપલસાડી તરફના રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે એક હાઇવા ટ્રકે અડફેટમાં લેતા શંકરભાઈ નીચે પડી ગયા હતા અને તેમના ડાબા પગ પર ટ્રકનું વ્હિલ ચઢી જતા પગ છુંદાઇ ગયો હતો ઉપરાંત અન્ય ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત શંકરભાઇને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ઇજાગ્રસ્ત શંકરભાઇએ અકસ્માત સર્જનાર હાઇવા ટ્રકના નંબર સાથે ઝઘડિયા પોલીસમાં હાઇવા ચાલક વિરૂધ્ધ ગત રોજ પોણા ચાર વાગે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
કાદર ખત્રી, ઝઘડીયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com