પુરી કિંમત ચુકવીને ગેસ સિલિન્ડર લેતા ગ્રાહકોને આ રીતે ઓછો ગેસ મળતો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી..
ભરૂચ એસઓજીની ટીમે ભરૂચના ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવજના રોડ ઉપર એક પીક અપ વાનમાં ગેસના ભરેલા બોટલોમાંથી ખાલી બોટલોમાં ગેસ રિફલીંગ કરવાના ગુના હેઠળ બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભરૂચ એસઓજી પીઆઇ એ.એ.ચૌધરી અને પીએસઆઇ એમ.એચ.વાઢેર ટીમ સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી, કે ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવજ જતા રોડ ઉપર એક બોલેરો પીકપ ગાડીમાં ગેસના બોટલોમાં ગેસ રિફલીંગ કરવામાં આવે છે. એસઓજીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઇડ કરતા સદર પીક અપ વાનમાં રાખેલ ૧૪ કિલો ગેસ ભરેલા ૧૮ બોટલોમાંથી થોડોથોડો ગેસ કાઢીને અન્ય ખાલી ૩ બોટલોમાં ભરવાનો હોવાનું જણાયું હતું. પોલીસે ઘટના સ્થળે હાજર મળેલ બે ઇસમો પ્રકાશચંદ્ર બીરૂરામ બિશ્નોઈ હાલ રહે.ચાવજ જિ.ભરૂચ અને મુળ રહે.રાજસ્થાનના તથા સુભાષ રામુરામ સીંગડ હાલ રહે.ચાવજ અને મુળ રહે.રાજસ્થાનનાને પીક ગાડી, રાંધણગેસની ખાલી બોટલ નંગ ૩, ગેસના ભરેલ બોટલ નંગ ૧૮, વજનકાંટો,ગેસ રિફલીંગ પાઇપ મળી કુલ રૂપિયા ૨૧૬૬૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને ભરૂચ શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

ગ્રાહકોને ડિલિવરી કરવાના બોટલોમાંથી થોડોથોડો ગેસ કાઢીને ખાલી બોટલોમાં ભરાતો હોવાનું બહાર આવ્યું..
વધુમાં મળતી વિગતો અનુસાર ગેસ એજન્સીમાંથી ગ્રાહકોને ફાળવવામાં આવેલ બોટલોની ડિલિવરી કરવાની કામગીરી દરમિયાન ગેસના ભરેલા બોટલોમાંથી થોડોથોડો ગેસ કાઢી લઇને ખાલી બોટલોમાં ભરીને તે બીજાને વેચી દેવા માટે આવું અનઅધિકૃત અને જોખમી ગેસ રિફલીંગ કરવામાં આવતું હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે એક બોટલમાં ૧૪ કિલો ગેસ હોઇ આવી ૧૮ બોટલોમાંથી થોડોથોડો ગેસ રિફલીંગ પ્રવૃત્તિ દ્વારા કાઢી લઇને અન્ય ખાલી ૩ બોટલોમાં ભરવામાં આવતા જે ગ્રાહકોને ગેસ બોટલની ડિલિવરી કરવાની હોય તેમને દેખીતી રીતે પુરી કિંમત ચુકવવા છતાં ઓછો ગેસ મળે,આને લઇને ગ્રાહકોએ ચોખ્ખું નુકશાન ભોગવવું પડતું હોવાનું બહાર આવ્યું હતું,ત્યારે અગાઉ કેટલીવાર આ મુજબ ગેસ રિફલીંગ કરીને ગ્રાહકોને ચુનો લગાડાયો હશે?
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com