Geo Gujarat News

વાગરા: ઇદ-એ-મિલાદ-ઉન-નબીની ભવ્ય ઉજવણી, હઝરત મોહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે કોમી એકતાની મિસાલ જોવા મળી

વાગરામાં મુસ્લિમ સમાજ દ્વારા જશ્ને ઇદે મિલાદ હઝરત મોહમદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

દરેક વર્ષ ઇસ્લામિક વર્ષના રબિયુલ અવ્વલ મહિનાના 12માં ચાંદે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે આજે સવારે ભવ્ય ઝુલુસ યોજાયું હતું. જે જુમ્મા મસ્જિદથી નીકળી પટેલ ખડકી, ચીમન ચોક, બાલા પીરની દરગાહ શરીફ, મુખ્ય બજાર, ડેપો સર્કલ, બચ્ચો કા ઘર પાસેથી પરત ફર્યું હતું. જુલૂસમાં બહોળી સંખ્યામાં નાના ભૂલકાઓ, નવયુવાનો તેમજ સમાજના અગ્રણીઓ અને વડીલો જોડાયા હતા. જુલૂસ દરમિયાન સરબત, દૂધ કોલ્ડરિંગસ, કેક, મીઠાઈ સહિતની નિયાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. તહેવારની ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ સમાજના વેપારીઓએ આજે ધંધારોજગાર બંધ રાખ્યા હતા.

કોમી એકતાની મિસાલ જોવા મળી :- ઇદે મિલાદ શરીફના તહેવાર નિમિત્તે વાગરા ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજમાં ભાઈચારો અને એકતા જોવા મળી હતી. જ્યાં અનેક સ્થળોએ કોમી વૈમનસ્ય ફેલાવનારા તત્વો માહોલ ખરાબ કરી નફરત ફેલાવે છે ત્યાં વાગરામાં બંને ધર્મના આગેવાનોએ મોહબ્બતની મિસાલ પેશ કરી હતી.

ઇદે મિલાદનું જુલૂસ ચીમન ચોક વિસ્તારમાં પ્રવેશ્યું તે વેળા હિન્દુ સમાજના હરેશ ભાઈ : વાગરા માજી સરપંચ, શૈલેન્દ્ર સિંહ રાજ, અરવિંદ ભાઈ વસાવા, ભરત ભાઈ ડાહ્યા, સિંધા ભાઈ આહીર સહિતના અગ્રણીઓએ જુલુસનું સ્વાગત કરી ફૂલહાર અર્પણ કરી કોમી એકતાની મિશાલ બતાવી હતી સાથે આ શુભ દિવસ નિમિત્તે હિન્દૂ-મુસ્લિમ સમાજની એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી. ઈદ-એ-મિલાદના ઝૂલુસમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ એકબીજાનું મોઢું મીઠું કરાવી તહેવારની ઉજવણી કરી હતી.


આ તબક્કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી સંપન્ન થાય તે હેતુસર વાગરા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.

ઇદ-એ-મિલાદ અથવા ઇદ-એ-મિલાદ ઉન નબીનો દિવસ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસ્લામના છેલ્લા પયગંબર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મ થયો હતો, અને આજ દિવસે તેઓ દુનિયાથી પરદે પણ થયા હતા. આથી આ દિવસ ઇસ્લામ ધર્મમાં મહત્વનો દિવસ છે. ઇદ-એ-મિલાદનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડરની 12 રબી-અલ-અવ્વલ પર ઉજવવામાં આવે છે. ઇસ્લામિક માન્યતા અનુસાર, હઝરત મોહમ્મદ સાહેબનો જન્મ 517 એડીમાં થયો હતો અને 610 એડીમાં મક્કાની હિરા ગુફામાં પરિવર્તિત થયો હતો. પરંતુ ઇજિપ્તમાં ઇદ-એ-મિલાદનો તહેવાર શરૂ થયો હતો. 11 મી સદી સુધીમાં, સમગ્ર વિશ્વમાં મુસ્લિમોએ તેને ઉજવવાનું શરૂ કર્યું હતું.

ઈદ-એ મિલાદનો રિવાજ..

ઈદ-એ-મિલાદના દિવસે ઈસ્લામના અનુયાયીઓ મસ્જિદોમાં નમાઝ અદા કરે છે અને હઝરત મુહમ્મદના શિક્ષા અને ઉપદેશોને અમલમાં મૂકવાનો સંકલ્પ લે છે. આ દિવસે લીલા રંગનો દોરો બાંધવાનો અથવા લીલા રંગના કપડાં પહેરવાનો પણ રિવાજ છે. ઇસ્લામમાં લીલા રંગનું ખૂબ જ મહત્વ છે. આ ઉપરાંત આ દિવસે પારંપારિક રસોઈ તૈયાર કરવામાં આવે છે અને ગરીબોમાં વહેંચવામાં આવે છે. શિયા અને બરેલવી સમુદાયના લોકો પણ આ દિવસે ઝુલુસ કાઢે છે અને તખ્તી પર લખીને સમગ્ર વિશ્વને હઝરત મુહમ્મદના ઉપદેશોથી વાકેફ કરે છે. જ્યારે સુન્ની સમુદાયમાં આ દિવસ ખૂબ જ સાદગી સાથે ઉજવવામાં આવે છે.

 

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *