ગ્રામ સભાઓમાં ગ્રામજનોના વિવિધ પ્રશ્નો મુદ્દે હકારાત્મક ચર્ચા -વિચારણા કરવામાં આવી : દેશભરમાં ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ના સૂત્ર સાથે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતી અને સ્વચ્છ ભારત મિશન(ગ્રા)ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે બીજી ઓકટોબરને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઊજવવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના ૯ તાલુકાઓની ૫૪૫ ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા પ્રવૃત્તિઓ અને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૫મા નાણાપંચ અંતર્ગત વિલેજ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કરવાના થતાં કામોનું પ્લાનિંગ કરવામાં આવ્યું : ગ્રામ સભાઓમાં ગ્રામજનોના વિવિધ પ્રશ્નો જેવાકે, પાણી, અન્ન પુરવઠો, પંચાયત, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, કાયદો અને વ્યવસ્થા જેવા વિવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરેલા પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી પંચાયતને લગતા પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ, દરેક ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભામાં ચર્ચાયેલા વહીવટી અને ટેકનિકલ કક્ષાના પ્રશ્નો સંબંધિત વિભાગને મોકલી આપવા માટે તાલુકા કક્ષાએ મોકલી આપવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તમામ ગામોમાં સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે તે માટે રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સામૂહિક સ્વચ્છતાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત જાહેર જગ્યા તેમજ કચેરીઓની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

જાહેર જગ્યાઓ તેમજ કચેરીઓની સાફ-સફાઈ કરવામાં આવી તથા ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા : આ ઉપરાંત, આગામી દિવસોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓનો સર્વે કરવાની કામગીરી શરૂ થનાર હોઈને ગ્રામજનોને સર્વેમાં જોડાવા માટે અને પોતાના નામની નોંધણી કરાવવા માટે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ૧૫મા નાણાપંચ અંતર્ગત વિલેજ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કરવાનાં થતાં કામોનું ગ્રામજનોની હાજરીમાં પ્લાનિંગ કરી તાલુકા કક્ષાએ મોકલી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com