ઝઘડીયા જીઆઇડીસીની સિક્કા કંપનીથી વખતપુરા જવાના રોડ પર અડચણરૂપ થાય તેવી રીતે કોઇ આડ મુક્યા વિના કે પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વિના ટ્રક મુકી દેવાતા પાછળથી આવતી એક મોટરસાયકલ ટ્રક સાથે અથડાતા મોટરસાયકલ ચાલકનું મોત થયું હતું,જ્યારે અન્ય એકને ઇજા થઇ હતી. આ બાબતે ઝઘડિયા પોલીસમાં લખાયેલ ફરિયાદ મુજબ ઝઘડિયાના ઝાઝપોર ગામે રહેતો રવિન્દ્ર રણજીતભાઇ વસાવા નામનો ૧૯ વર્ષીય યુવક તેના મિત્ર હરનેશ વસાવા સાથે હરનેશની મોટરસાયકલ લઇને જીઆઇડીસીમાં નોકરીએ ગયો હતો.

ત્યારબાદ સાંજના પાંચેક વાગ્યાના સમયે રવિન્દ્રના પિતરાઇ ભાઇ ગૌરવ સુકલભાઇ વસાવા રહે.ઝાઝપોરનાને ખબર મળી હતી કે જીઆઇડીસીમાં સિક્કા કંપનીથી વખતપુરા તરફ જવાના રોડ પર ઉભી રાખેલ એક ટ્રક સાથે આ લોકોની મોટરસાયકલ પાછળથી ટકરાતા મોટરસાયકલ ચાલક રવિન્દ્ર વસાવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું જ્યારે હરનેશ વસાવાને પણ શરીર પર નાનીમોટી ઇજાઓ થઇ હતી.અકસ્માતની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસે જાહેર રસ્તા પર અડચણરૂપ ટ્રક મુકનાર ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com