વાગરા તાલુકામાં આવેલ સુતરેલ ગામમાં રહેતા ઇસમે પોતાની પત્ની સાથે માર ઝૂડ કરી ત્રણ વાર “તલાક તલાક તલાક” બોલી લગ્નજીવનમાંથી ત્યાગી દેવાને લઈને પત્નીએ ગત તારીખ ૩૦/૧૧/૨૦૨૧ ના રોજ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 323, 506(2), 498(ક) તથા મુસ્લિમ મહિલા ( લગ્ન પર અધિકારોનું રક્ષણ ) અધીનીયમ 2019 ની કલમ-4 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે અનુસંધાને વાગરા ન્યાયાલયના મહે.એડી. ચીફ જ્યુડિશ્યલ આર.ડી.સોઢા પરમાર મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

સમગ બનાવ અંગે વાગરા કોર્ટ ખાતેથી મળતી વિગતો મજુબ વાગરા તાલુકાના સુતરેલ ગામના મસ્જિદ ફળિયામાં રહેતા સુહેલ ઈસ્માઈલ ગોદર નાઓની દીકરીને ગત તારીખ ૨૮/૦૮/૨૦૨૧ ના રોજ ઝાડા ઉલ્ટી થઈ ગયેલ હોય જેથી તારીખ ૨૯/૦૮/૨૦૨૧ ના રોજ તેણીને દવાખાને લઈ જવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો. જેમાં સોહેલે તેની પત્નીને ઢીકાપાટુનો તથા બેટથી માર માર્યો હતો. તદુપરાંત અવાર નવાર શારીરિક, માનસિક ત્રાસ આપી કહેતો હતો, કે મારે તારી સાથે રહેવું નથી હું મારી જિંદગી તારી સાથે જીવવા માંગતો નથી હું તને તલ્લાક તલ્લાક તલ્લાક કહું છું. તેમ કહી પત્નીને ત્યાગી દેવાનું કૃત્ય કર્યું હતું. અને તે એટલેજ ન અટકી વધુમાં કહ્યું હતું, કે મારા વિરુદ્ધમાં જો કોઈ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીસ જેવી ધમકી આપતા ગભરાયેલી પત્નીએ વાગરા પોલીસ મથકે દોડી જઇ પોતાની આપવીતી દર્શાવી હતી. અને પતિ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. વાગરા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી હતી, જે બાદ જરૂરી પુરાવાઓ સાથે પોલીસે કોર્ટમાં ચાર્ટસીટ રજૂ કરી હતી. જે કેસ વાગરાના ચીફ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં આરોપી તરફે વકીલ તેમજ સરકારી વકીલની દલીલો સાંભળી અંતે કોર્ટે ચૂકાદો આપ્યો હતો.

સરકારી દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી સુહેલ ઈસ્માઈલ ગોદરનાઓ વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસીજર કોંડની કલમ-248 (2) અંતર્ગત ઇપીકો.કોડની કલમ-323 અન્વયે 500 રૂપિયા તેમજ 6 મહિનાની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમજ ક્રિમિનલ કોડની કલમ-248 (2) અંતર્ગત મુસ્લિમ મહિલા ( લગ્ન પર અધિકારોનું રક્ષણ ) અધિનિયમ, 2019 ની કલમ-4 અન્વયે 5 હજાર રૂપિયા સહિત બે વર્ષની સજાનો પણ હુકમ કર્યો હતો. આમ આરોપી સામે વાગરા કોર્ટે કુલ 5500 રૂપિયા સહિત બે વર્ષ અને 6 મહીનાની કેદ તેમજ જો દંડ ન ભરે તો વધુ 4 મહિનાની સાદી કેદની સજાનો હુકમ કરતાં પંથકમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com